વલસાડ: વલસાડમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગ રૂપે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વલસાડના મહેમાન બન્યા છે. ત્યારે આજે સ્વાતંત્ર્ય પર્વ ની પૂર્વ સંધ્યાએ વલસાડ ખાતે મુખ્ય પ્રધાન શહેરી વિકાસ યોજના અંતર્ગત વલસાડ શહેરને નવી 7 મીની બસોની ભેટ અપાઈ છે. 7 નવી બસો વલસાડના શહેરી વિસ્તારના કુલ 6 રૂટો ઉપર ફરશે. આજે ભૂપેન્દ્ર પટેલ અને નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ સાંસદ ડો.કે.સી. પટેલની હાજરીમાં તમામએ લીલી ઝંડી બતાવી બસનો પ્રારંભ કરાવ્યો હતો.
આ યોજનામાં સમાવેશ: હાલમાં જ નવી મહિલા કંડકટરની નિમણુક કરવામાં આવી છે આમ વલસાડ શહેરમાં શરુ થયેલ બસ સેવામાં મહિલાઓને રોજગારી મળે મહિલાઓ આગળ આવે એવા સકારાત્મક વિચાર સાથે બસસેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન શહેરી બસ પરિવહન સુવિધા (CMUBS)અંતર્ગત નેટ કોસ્ટ કોન્ટ્રાકટ ધોરણે અને સીટી બસ સેવા શહેરી પરિવહન બસ સુવિધા હેઠળ ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ તથા 22 "અ" વર્ગની નગરપાલિકાઓનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આનંદની લાગણી: જે પૈકી વલસાડ નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા કુલ-7 બસો ફાળવવામાં આવી છે. મુખ્યપ્રધાન શહેરી બસ પરિવહન સુવિધા (CMUBS) અંતર્ગત નેટ કોસ્ટ કોન્ટ્રાકટ ધોરણે અને સીટી બસ સેવા પીપીપી ધોરણે શરૂ કરવામાં આવી છે. જે અન્વયે એજન્સી દ્વારા એક સીટી બસની કિંમત અંદાજે રૂપિયા 30 લાખ એમ કુલ 7 (સાત) બસ અંદાજે રૂપિયા 2.10 કરોડના ખર્ચે વલસાડ શહેર વિસ્તારમાં 06 રૂટો ઉપર સીટી બસની સુવિધા શરૂ કરવામાં આવશે. આમ વલસાડના શહેરી જનો ને આજે મુખ્ય પ્રધાને નવી શહેરી બસ સેવા ની નવી ભેટ આપતા વલસાડ વાસીઓમાં આનંદની લાગણી જોવા મળી છે.