- ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી
- કપરાડામાં ઉનાળામાં થાય છે પાણીની સમસ્યા
- નેતાઓ વાયદાથી લાવી રહ્યા છે સમાધાન
વલસાડ: વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો આદિવાસી બાહુલ વિસ્તાર છે. આ વિસ્તારમાં ચોમાસામાં 150 ઇંચ જેટલો વરસાદ વરસે છે. તેમ છતાં ઉનાળાના દિવસોમાં પાણીની તંગી વર્તાય છે. આઝાદી પછી અહીં જેટલી પણ ચૂંટણી યોજાઈ, તે દરેકમાં પાણીની તંગી નિવારવા નેતાઓ મતદારોને વચનો અપાતા રહ્યાં છે. જોકે, હજી સુધી સમસ્યા જેમની તેમ છે.

પાણીની સમસ્યા નિવારવા સરકારે અસ્ટોલ યોજના અમલમાં મૂકી
હાલમાં સરકારે અહીં 174 ગામડાને આવરી લેતી 586 કરોડની અસ્ટોલ યોજના અમલમાં મૂકી છે. જેના થકી આગામી દોઢથી બે વર્ષમાં પાણીની સમસ્યા હલ થશે તેવું નેતાઓ પોતાના ચૂંટણી પ્રચારમાં જણાવી રહ્યા છે. જ્યારે પાણીની તંગી સહન કરતા મતદારો હવે આવા વાયદાને પોકળ ગણાવી રહ્યાં છે. મતદારોના મતે અહીં દરેક ગામ અને ફળિયામાં હેન્ડપમ્પ છે, કુવાઓ છે અને પાણીની પાઇપલાઇન સાથેની ટાંકીઓ છે. પણ પાણી એકેયમાં નથી. સરકારી ચોપડે બતાવવા ખાતર જાણે આ બધું કર્યું હોય તેવું લાગી રહ્યું છે.

વાસ્તવિકતા એ છે કે, પીવાના પાણી માટે આજે પણ લોકોને વલખા મારવા પડે છે. અસ્ટોલ યોજના ક્યારે પુરી થશે અને લોકોને ઉનાળામાં થતી પાણીની સમસ્યાથી ક્યારે છુટકારો મળશે તે સવાલ સ્થાનિકો માટે યક્ષ પ્રશ્ન છે.