વલસાડ: જિલ્લામાં 77મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી ધમડાચી ખાતે આવેલા એપીએમસી માર્કેટના ગ્રાઉન્ડ ઉપર થનાર છે. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. ત્યારે વલસાડ જિલ્લો કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવા માટે સજ્જ બન્યો છે. જિલ્લાની તમામ સરકારી ઇમારતો, રસ્તાઓ અત્યાધુનિક લાઇટિંગ દ્વારા શણગારાયા છે. દિવાળી જેવો માહોલ સર્જાયો છે. લોકો સેલ્ફી લેવા ઉમટી રહ્યા છે.
20 વર્ષ બાદ વલસાડમાં ઉજવણી: માજી નગર પાલિકા પ્રમુખ સોનલ બેન સોલંકીના જણાવ્યા અનુસાર વર્ષ 2003 માં નરેન્દ્ર ભાઈ જ્યારે મુખ્યપ્રધાન હતા, તે સમયે વલસાડ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. તે બાદ આજે 20 વર્ષ બાદ ફરી વલસાડ જિલ્લાને ભૂપેન્દ્ર ભાઈ પટેલના નેતૃત્વમાં ફરી ઉજવણી કરવાનો મોકો મળ્યો છે. ત્યારે વલસાડની જનતા ગર્વ અનુભવી રહી છે અને ઉજવણી માટે સજ્જ બની છે.
CM જૂના ઘરની લેેશે મુલાકાત: ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના બાળપણના અનેક સ્મરણો વલસાડ જિલ્લામાં હજુ પણ સચવાયેલા છે. એમના પિતા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેઓ વલસાડમાં મોટા બજાર શેઠ ફળીયા વિસ્તારમાં આવેલા એક મકાનમાં ભાડેથી રહેતા હતા. એમના કેટલાક મિત્રો આજે હયાત છે. તેઓ ધોરણ 1 થી 4 આવાબાઈ સ્કૂલ ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યારે આ જુનાઘરની પણ તેઓ મુલાકાત લઈ શકે છે.
જનતાને ઉજવણીમાં ભાગ લેવા અપીલ: વલસાડમાં રાજય કક્ષાનો 77 મો સ્વાતંત્ર્ય પર્વ વલસાડ જિલ્લામાં ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે. વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા વલસાડ જિલ્લા જનતાને અપીલ કરવામાં આવી છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમમાં જોડાવવા જણાવવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.