- વાપી GIDC માં GBCB દ્વારા 2020માં 55ને ક્લોઝર નોટિસ પાઠવી
- પાણી, હવા અને ઘન કચરાના માપદંડ જળવતા નથી
- વર્ષ 2021માં વાઈટલ કંપનીને 1 કરોડનો દંડ ફટકાર્યો
- પ્રદુષણ ઓકતા એકમો સામે આ વર્ષે પણ લાલ આંખ
વલસાડઃ જિલ્લામાં વાપી GIDCના એકમો વર્ષોથી પ્રદુષણ મામલે બદનામ થતા એકમો છે. ભૂગર્ભ જળ, હવા પ્રદુષણ અને ઘન કચરાના મામલે વર્ષોથી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા અનેક એકમો સામે કરોડોનો દંડ ફટકાર્યો છે. તેમ છતાં વાપી GIDC માં પ્રદુષણ ફેલાવતા એકમોના સંચાલકો સુધર્યા નથી. વર્ષ 2019માં 46 કંપનીઓને ક્લોઝર નોટિસ આપ્યા બાદ વર્ષ 2020માં ઔદ્યોગિક એકમોનું પ્રદુષણ ઘટવાને બદલે વધ્યું છે. એટલે વર્ષ 2020માં GPCB એ 55 કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી હતી.
અંદાજિત 4 હજાર જેટલી કંપનીઓ વાપી GIDC માં કાર્યરત
કેમીકલ, ફાર્માસ્યુટિકલ, પેપર, એન્જીનીયરીંગ, પેકેજીંગ જેવી અંદાજિત 4 હજાર જેટલી કંપનીઓ વાપી GIDC માં કાર્યરત છે. આ ઉદ્યોગોમાં કેટલાક ઉદ્યોગો દ્વારા પ્રદુષણ ફેલાવી વાપીને પ્રદુષિત ઝોનમાં સામેલ કરી દીધું હતું. જોકે, થોડા વર્ષો પહેલા ઉદ્યોગકારોને પ્રતાપે વાપી ક્રિટિકલ ઝોનમાંથી બહાર નીકળ્યું હતું. પરંતુ ફરી એ જ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી હોવાનું GPCB ના વાર્ષિક અહેવાલને જોતા લાગી રહ્યું છે.
2021ના પ્રથમ મહિનામાં જ 4 કંપનીઓને ક્લોઝર
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષ 2021માં પણ જાન્યુઆરી માસમાં જ પ્રદુષણ ફેલાવવા મામલે આગમાં સ્વાહા થયેલી વાઈટલ લેબોરેટરીઝને 1 કરોડનો દંડ અને ક્લોઝર નોટિસ આપી છે. બીજી કંપની યોગેશ્વર કેમિકલને પણ કેમિકલના નિકાલ મામલે 25 લાખનો દંડ અને કોલઝર નોટિસ પાઠવી છે. GPCBની પ્રદુષણ મામલે સખત કાર્યવાહી પછી પણ ઉદ્યોગકારોમમાં જાગૃતિ ઓછી અને સેટિંગ ડોટ કોમ મુજબ પ્રદુષણ ફેલાવી વધુ કમાણી કરવાની બદ દાનત વધુ જોવા મળી રહી છે.