વલસાડ : આગામી દિવસમાં આવી રહેલા નવલા નોરતા એટલે કે, શક્તિનું પર્વ અને ગુજરાતનું ગૌરવ ગણાતા ગરબાનો તહેવાર. હાલ કોરોના મહામારીને કારણે નવરાત્રીનું આયોજન મોકૂફ રાખવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. જેને કારણે સમગ્ર ગુજરાતમાં ઠેકઠેકાણે આયોજિત થતા ગરબાના મોટા આયોજનો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
મહત્વનું છે કે, કોરોનાને કારણે આ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તે ગાયકો પણ યોગ્ય જણાવી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા નવરાત્રીની ઉજવણી મોકૂફ રહેવાને કારણે નવરાત્રીમાંથી પોતાની રોજગારી મેળવનારા ઓરકેસ્ટ્રા ચાલકો, ગાયક કલાકારો અને અન્ય એવા કેટલાય કલાકારો છે, જેમનો રોજગાર છીનવાઈ જશે. જેને કારણે સરકારે ગાયકો અને બેરોજગાર બનેલા અનેક લોકોને ધ્યાને રાખીને વચગાળાનો નિર્ણય કરવો જોઈએ, તેમ ગાયક કલાકારો માનવું છે.
હાલમાં નવરાત્રીની સિઝન કલાકારો માટે વર્ષ દરમિયાન પોતાની રોજગારી મેળવવાની સિઝન છે, પરંતુ સરકારે તેના આયોજન પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. હવે આ તમામ ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાયા છે. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગરબાની ગાયન વ્યવસાય સાથે જોડાયેલા મુકેશ પટેલ જણાવે કે, સરકારનો નિર્ણય યોગ્ય છે, પરંતુ બીજી તરફ ગાયકી સાથે જોડાયેલા અનેક કલાકારો લોકડાઉન થયું ત્યારથી મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં તેમની પાસે અન્ય કોઇ રોજગાર મેળવી શકે તેવી પરિસ્થિતિ નથી, જેના કારણે સરકારે તેમને પણ ધ્યાનમાં રાખીને કોઇ વચ્ચેનો રસ્તો કાઢી યોગ્ય નિર્ણય લેવાની જરૂર વર્તાઈ રહી છે, પરંતુ હાલ સરકારે જે નિર્ણય લીધો છે તે યોગ્ય છે.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં પણ કોરોનાનો રિપોર્ટના આંકડા જોઈએ, તો એક હજારને પાર આંકડો થઈ ચૂક્યો છે. જેને કારણે સંક્રમણ ન ફેલાય તે માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સક્રિય છે. ત્યારે આગામી દિવસમાં આવી રહેલી નવરાત્રી આ અંગે પણ આયોજકોએ નવરાત્રી આયોજન મોકૂફ રાખવાની જાહેરાત કરી દીધી છે.