ઉમરગામ તાલુકામાં દિનપ્રતિ દિન જૂગાર રમનારાઓની સંખ્યા વધી રહી છે. જુવાનિયાઓ જૂગારની લત સાથે નોકરી ધંધો છોડી જૂગાર જેવી અસામાજિક પ્રવૃતિ સાથે જોડાય રહ્યા હોવાના કિસ્સા અનેક બની રહ્યા છે. કામળવાડ તળાવ વિસ્તાર, સંજાણ, ખતલવાડા જેવા વિસ્તારમાં જુગાર પ્રવૃતિ વધી રહી છે. સમાજમાં દૂષણ સમાન જૂગાર પ્રવૃતિને નાથવા જેટલી સજાગતા સામાન્ય નાગરિકોમાં હોવી જોઈએ તેટલી નથી.
ખુલ્લા મેદાન ખાતે તેમજ ઝાડી ઝાખરામાં છુપાઇને જૂગારીયાઓ જૂગાર રમતા હોય છે. જેને રોકવા અનેક વખત પોલીસ દ્વારા પગલાં પણ લેવામાં આવતા હોય છે.જૂગાર રમાતો હોય એવા સ્થળે પોલીસ રેડ કરતી હોય છે. જેના ભાગરૂપે રવિવારની સાંજે પોલીસ દ્વારા આવેલા કામળવાડ તળાવ ખાતે ખુલ્લી જગ્યામાં કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી 7780 રૂપિયાના મુદ્દામાલ સાથે કુલ 6 જૂગારીયાઓની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.
પકડાયેલા જુગારીયાઓમાં 1) અનિલ દુબળા, 2) મિલન દુબળા, 3) ધનસુખ કોળી, (4) રૂધન પાસવાન, (5) નયન પાટિલ (6) દિનેશ દુબળા તમામની ધરપકડ કરી કોર્ટ સમક્ષ હાજર કરી જામીન ઉપર છોડવામાં આવ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન વરસાદી માહોલમાં કામધંધા વગર બેસેલા કેટલાક લોકો આ દિવસોમાં જૂગારના રવાડે ચઢી જતા હોય છે. તો, આ જ સમયગાળામાં શ્રાવણ માસ જેવો પવિત્ર માસ પણ આવતો હોય અને આ મહિનામાં જૂગાર રમવાનું ચલણ પણ વધતું હોય કેટલાક અઠંગ જૂગારી બને છે. તો, કેટલાક લતમાં સર્વસ્વ ગુમાવી આખરે આત્મહત્યા જેવા પગલાં ભરતા હોય છે. ત્યારે, ઉમરગામ વિસ્તારમાં વધી રહેલ આ પ્રવૃતિ આવનારા દિવસો માટે ચિંતાનું કારણ ના બને તે માટે જાણે પોલીસ એ જૂગારની બાજી માંડતા જૂગરિયાઓ પર શ્રાવણ માસ પહેલા જ તવાઈ બોલાવવી શરૂ કરી દીધી છે.