વલસાડઃ શહેરના તિથલ રોડ ઉપર આવેલા ટાઇમ્સ સ્ક્વેર બિલ્ડીંગ નજીક માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાળાની કામગીરી ચાલી રહી છે. ત્યારે JCB મશીન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને આ ખોદકામ દરમિયાન લગભગ 8થી 10 ફૂટ જેટલી ઉંડાઇ પર નીચે આવેલી ગેસની પાઈપલાઈન તેમજ પીવાના પાણીની પાઈપલાઈન અચાનક તુટી જતા તેમાંથી 8થી 10 ફૂટ ઊંચે પાણીના ફુવારા ઉડયા હતા. સાથે ગેસ પણ લીકેજ થતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
અચાનક બનેલી આ ઘટનાને લઈને લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને સમગ્ર કામગીરી અટકાવી દેવામાં આવી હતી. લોકો એકત્ર થઈ જતા JCB મશીન સાઇડ ઉપર હટાવી લેવાયું હતું અને કોઈ મોટી હોનારત ન બને તે માટે પાલિકાના ફાયર વિભાગના વાહનને પણ જાણ કરવામાં આવી હતી. જેને લઇને ફાયરનું વાહન સ્થળ ઉપર પહોંચ્યું હતું. આ ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.