ગણેશ મહોત્સવ નિમિત્તે વાપી ટાઉનમાં છેલ્લા 30 વર્ષથી શાકભાજી માર્કેટ એસોસિએશન દ્વારા ગજાનંદની મનમોહક મૂર્તિનું સ્થાપન કરી 11 દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વખતે શાકભાજી માર્કેટમાં લાલબાગના રાજાની પ્રતિકૃતિવાળી મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેની નજીક મચ્છી માર્કેટમાં પણ 36 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં પણ પર્પલ કલરના મનમોહક વાઘામાં સજ્જ ગણપતિ બાપાના દર્શને મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
આ ઉપરાંત વાપી ટાઉનના અન્ય વિસ્તારમાં GIDCમાં, ગુંજન વિસ્તારમાં, ડુંગરા વિસ્તારમાં પણ ગણેશજીની મનમોહક મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. સંઘપ્રદેશ સેલવાસમાં પણ પીપરીયાના રાજા સહિત અનેક વિસ્તારમાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દમણમાં નાની દમણ, ભીમપોર, ડાભેલ, કચીગામ, સોમનાથ સહિતના વિસ્તારોમાં ગણપતિજીની પ્રતિમાઓની સ્થાપના કરી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. જો કે, મોટેભાગે તમામ વિસ્તારમાં POPની મૂર્તિની બોલબાલા જોવા મળી હતી. જ્યારે ઘર કે સોસાયટીમાં માટીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.
વર્ષ 2017માં વાપી ટાઉન વિસ્તારમાં 91 જેટલા મંડળોએ પરવાનગી લીધી હતી. વર્ષ 2018માં આ આંકડો સો પર પહોંચ્યો હતો. જ્યારે આ વખતે 125 પર પહોંચ્યો છે. એ જ રીતે વાપી GIDC વિસ્તારમાં 36, ડુંગરા વિસ્તારમાં 113 ગણપતિ પંડાલના આયોજકોએ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર કરાવ્યું છે. આમ, સમગ્ર વાપીમાં અને સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં ગણેશ ચતુર્થી નિમિત્તે નાની-મોટી મળી અંદાજિત 10 હજાર જેટલી મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં આજથી અનંત ચૌદશ સુધી ભક્તિભાવ પૂર્વક ગણપતિજીની સ્થાપના કરી પૂજા-અર્ચના કરાવવામાં આવશે. જેમાં ભાવિક ભક્તો દ્વારા ગણપતિના પ્રિય એવા લાડુની પ્રસાદી ધરવામાં આવશે.
ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન દમણગંગા નદી, દમણ દરિયા કિનારે, કોલક નદી સહિતના સ્થળોએ કરવામાં આવશે. દુંદાળા દેવના મહોત્સવમાં કોમી એખલાસ સાથે ધાર્મિક વાતાવરણ બની રહે તે માટે પોલીસ વિભાગ પણ સજ્જ બન્યો છે. પ્રતિમા વિસર્જનના સ્થળે કૃત્રિમ કુંડ પણ બનાવવામાં આવ્યા છે. જ્યાં ફાયર વિભાગના જવાનો, પોલીસ, સંસ્થાના સભ્યો તકેદારીના ભાગરૂપે રાત-દિવસ પોતાની ફરજ બજાવશે.