- NHSRCL દ્વારા MAHSR કોરિડોર પર પ્રથમ પૂર્ણ ઊંચાઈનો પિલ્લર તૈયાર
- વાપી નજીક બનાવવામાં આવ્યો 13.05 મીટરનો પ્રથમ પિલ્લર
- સ્ટેશન માટે 13 જેટલા પિલ્લર તૈયાર કરાઈ રહ્યા છે
વાપી : નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (National High Speed Rail Corporation Ltd )ની મુંબઈ અને અમદાવાદ(Mumbai-Ahmedabad High Speed Rail) વચ્ચે ભારતની પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત વાપી નજીક 13.05 મીટરનો પ્રથમ પિલ્લર તૈયાર કરી લેવામાં આવ્યો છે. વાપીમાં ડુંગરા વિસ્તારમાં બનનાર બુલેટ ટ્રેનના સ્ટેશન માટે આવા 13 થી વધુ પિલ્લર તૈયાર કરવામાં આવશે. જ્યારે 1200 મીટર લાબું સ્ટેશન બનાવવામાં આવશે.
અમદાવાદ બાદ સૌથી મોટું 1200 મીટર લંબાઈનું સ્ટેશન
વાપી રેલવે સ્ટેશન બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સૌથી મહત્વનું રેલવે સ્ટેશન છે. હાલ અહીં પુરજોશમાં કન્સ્ટ્રકશન કામગીરી ચાલી રહી છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડએ મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી અને ગુજરાતને જોડતા 12 સ્ટેશનોમાંથી પસાર થતા મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર પર વાપી નજીક પ્રથમ 13.05 મીટરનો સંપૂર્ણ ઊંચાઈ સાથેનો પિલ્લર તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેની નજીક બીજા 2 પિલ્લર પણ આગામી એકાદ મહિનામાં તૈયાર કરવામાં આવશે. વાપી બુલેટ ટ્રેન સ્ટેશન માટે આવા 13થી વધુ પિલ્લર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ડુંગરા વિસ્તારમાં બનનારૂ બુલેટ ટ્રેનનું સ્ટેશન અમદાવાદ બાદ સૌથી મોટું 1200 મીટર લંબાઈનું સ્ટેશન છે.
બુલેટ ટ્રેન પ્રોજેકટમાં વાપી મહત્વનું સ્ટેશન
આ કોરિડોર પર બની રહેલા 13થી વધુ પિલ્લરની સરેરાશ ઉચાઈ આશરે 12 થી 15 મીટર છે. જેમાં પ્રથમ તૈયાર કરવામાં આવેલા કાસ્ટેડ પિલ્લરની ચોક્કસ ઉચાઈ 13.05 મીટર છે, જે લગભગ 4 માળની ઈમારત જેટલી થાય છે. આ પિલ્લર 183 ઘન મીટર કોંક્રિટ અને 18.820 મેટ્રિક ટન સ્ટીલથી બનાવવામાં આવ્યો છે.
કોરોના કાળમાં પણ પ્રોજેકટ ગતિ પર
વર્તમાન કોરોના મહામારી અને ચોમાસાની ઋતુને કારણે માનવબળની તીવ્ર અછત અને અન્ય લોજિસ્ટિક્સ પડકારો હોવા છતાં પણ એજન્સી બાંધકામ કાર્યને તેજગતિએ આગળ વધારી રહી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવા માટેની એક્ઝિક્યુટિવ એજન્સી છે. જેના દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. વાપી રેલવે સ્ટેશન બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સૌથી મહત્વનું રેલવે સ્ટેશન છે. આગામી દિવસોમાં દમણગંગા નદીના પટમાં બનનાર પુલ માટેની કામગીરી પણ શરૂ થવાની છે, જે માટે જરૂરી સોઈલ ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવ્યું છે.
વાપીમાં 600 કરોડના ખર્ચે 1200 મીટર લાબું સ્ટેશન બનશે
મુંબઈ અમદાવાદ વચ્ચે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHRCL) દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. મોદી સરકારનો આ ડ્રીમ પ્રોજેકટ છે. વાપીમાં ડુંગરાઓ વચ્ચે 600 કરોડના ખર્ચે 1200 મીટર લંબાઈનું અદ્યતન સ્ટેશન બનશે. L&T ને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ટેન્ડર મળ્યા બાદ વાપીના ડુંગરા વિસ્તારમાં હાલ બુલેટ ટ્રેનના સ્ટેશન માટે પિલ્લર ઉભા કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. આ પ્રોજેકટ અંતર્ગત વલસાડ જિલ્લામાં જે લોકોની જમીન-મિલ્કતોનું વળતર ચૂકવવાનું છે, તે તમામને 99 ટકા વળતર ચૂકવાઈ ગયું છે.
ઉદ્યોગોને આ ટ્રેન પ્રોજેકટ થકી ખૂબ મોટો લાભ
આગામી વર્ષ 2023માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. વાપીમાં એરપોર્ટ જેવા અદ્યતન સ્ટેશનને કારણે આ વિસ્તારનો અનેકગણો વિકાસ થશે. વાપી GIDC, દાદરા નગર હવેલી અને દમણના ઉદ્યોગોને આ ટ્રેન પ્રોજેક્ટ થકી ખૂબ મોટો લાભ મળશે. વલસાડ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 52 એકર જમીન સંપાદન કરવામાં આવી છે. જેમાંથી 50 એકર જમીનનું એલોટમેન્ટ મળી ગયું હોય તે જમીન પર બુલેટ ટ્રેનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
બુલેટ ટ્રેનના રૂટ પર 12 સ્ટેશનો
NHRCL દ્વારા હાથ ધરાયેલા મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ 12 સ્ટેશન છે. 508 કિલોમીટરનો બુલેટ ટ્રેન રૂટ છે. જેમાં 155 કિલોમીટર મહારાષ્ટ્રમાં, 4.3 કિલોમીટર દાદરા નગર હવેલીમાં અને 348 કિલોમીટરનો રૂટ ગુજરાતમાં હશે.
કલાકના 320 કિલોમીટરની ઝડપે દોડશે બુલેટ ટ્રેન
મહત્વના 12 સ્ટેશનોમાં મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, વિરાર, બોઇસર, જ્યારે ગુજરાતના વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશન હશે. બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુંબઈ અમદાવાદ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર કાપશે. આ ટ્રેન ગુજરાતમાં અમદાવાદ સુધીનું અંતર 3 કલાકમાં પૂરું કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2023માં પૂર્ણ થયા બાદ તબક્કા મુજબ તેના કોચ અને ટ્રેનની સંખ્યામાં વધારો કરવામાં આવશે, જે માટે વર્ષ 2053 સુધીની યોજના છે.
2023માં શરૂ કરાશે પ્રોજેક્ટ
ક્રમ | વર્ષ | પ્રતિદિન ટ્રેનો દોડશે | પ્રતિદિન પ્રવાસી |
1 | 2023 | 35 | 17,900 |
2 | 2033 | 51 | 31,700 |
3 | 2043 | 64 | 56,800 |
4 | 2053 | 105 | 92,900 |
સ્ટેશન પર પ્રવાસીઓના મનોરંજન માટેની સુવિધા
વાપીમાં બનનારા 1,200 મીટર લાંબા રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓ માટે શોપિંગ મોલ, મનોરંજક રાઈડ પોઇન્ટ સહિતની અન્ય સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. હાઈ સ્પીડ રેલ મુંબઈમાં 26 કિલોમીટર સિવાય તમામ વાયડક્ટ પર જમીન ઉપર એલિવેટેડ (10 થી 15 મીટર) ટ્રેક પર 320 કિમી/કલાકની ઝડપે કાર્યરત થશે, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્ટેશન (મુંબઈ) સિવાય તમામ સ્ટેશન એલિવેટેડ કરવામાં આવશે, ત્યારે, હાલ વાપીમાં બુલેટ ટ્રેનના પ્રથમ પિલ્લર સાથેનો પાયો નાખ્યા બાદ તેજ ગતિથી ચાલતા બાંધકામને લઈને વાપીનું નામ દેશભરમાં ગુંજતું થયું છે.