વલસાડ: આમ તો વલસાડ જિલ્લો હાફૂસ કેરી માટે સમગ્ર વિશ્વમાં જાણીતો છે પરંતુ જેમ જેમ વર્ષો વિતે છે તેમ તેમ પર્યાવરણની અસર પાક ઉપર જોવા મળી રહી છે જેના કારણે પાક ઓછો થતો જઇ રહ્યો છે. ખેડૂતોને વધુ પ્રોત્સાહિત કરવા તેમજ લોકો કેરીની વિવિધ જાતોને જાણી શકે તે માટે ખેતીવાડી વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા વલસાડના તિથલ બીચ ખાતે બે દિવસીય મેંગો મહોત્સવનું આયોજન કરાયું છે. જેનું ઉદઘાટન નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ કર્યું હતું. જેમાં 133 પ્રકારની કેરીની જાતોનું પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.
![50 સ્ટોલો ઉપર 133 કેરીની જાતોનું પ્રદર્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18616320_01.jpg)
50 સ્ટોલ ઉપર 133 પ્રકારની કેરી: આ મહોત્સવ દરમ્યાન વિવિધ સ્થળોએ કુલ 50 સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેમાં 133 જેટલી કેરીની જાતો પ્રદર્શન માટે મુકવામાં આવી છે. અહીં આવનારા લોકો પણ આ વિવિધ પ્રકારની કેરીઓને જોઈ આશ્ચર્ય અનુભવી રહ્યા છે. સાથે પરિયા ખાતે આવેલા કૃષિ સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલી નવી કેરીની જાતો પણ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.
સખી મંડળોના પણ સ્ટોલ લગાવવામાં આવ્યા: કેરીના વિવિધ રીતે ઉપયોગ કરી બનતી પ્રોડકતો સખી મંડળો બનાવે છે અને તેના વેચાણ અર્થે અહીં સ્ટોલ તેમના પણ લગાવવામાં આવ્યા છે. તેમના દ્વારા કેરીના અથાણાં, રસની બોટલો, મુરબ્બો, આંબોલિયા જેવી વિવિધ પ્રોડક્ટ સાથે જ કેરીની ગોટલીઓમાંથી બનતા મુખવાસની પણ પ્રોડક્ટ અહીં વેચાણ અને પ્રદર્શનમાં મુકવામાં આવી છે.
નવી સંશોધિત કેરીની જાતનું પ્રદર્શન: વલસાડ જિલ્લાના પરિયા ખાતે નવસારી કૃષિ યુનિવર્સીટી સાથે સંવલગ્ન કૃષિ સંશોધન કેન્દ્ર પરિયા દ્વારા વિકસાવવામાં આવેલી કેરીની ચારથી વધુ જાતો પણ આ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. જેમાં નિલફાનસો, નિલેસાન, સોનપરી, નિલેશ્વરી જેને જોવા માટે અને તેના ગુણધર્મો જાણવા માટે પણ અનેક ગામોમાંથી ખેડૂતો પ્રદર્શની નિહાળવા આવી રહ્યા છે. બે દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.
પોલીસ નામની કેરીએ આકર્ષણ જમાવ્યું: તિથલ ખાતે આયોજિત કરવામાં આવેલા મેંગો મહોત્સવમાં જોવા માટે 133 જેટલી કેરીની વિવિધ જાતો પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી જેમાં ટનેરુ, નુ૨જન્હા પસંદ, મદ્રાસી હાફૂસ, ફજલી, રોયલ સ્પેશીયલ, બનેશાન, માયા, ખરબુજા, ટોમી એટકિંશન, કિંગફોન જેની અનેક પ્રકારની કેરોની જાતો પ્રદર્શન માટે મુકવામાં આવી છે. આ સાથે સાથે પરીયા દ્વારા વિકસાવવામાં આવેલ જાત સોનપરી, નીલેશાન, નીલેશ્વરી, નીલફાન્સો સામેલ કરાઈ હતી. આ પ્રદર્શનમાં અનેક નામોએ આકર્ષણ જમાવ્યું હતું તો સાથે સાથે પોલીસ નામની કેરીએ લોકોમાં કુતુહલ સાથે આકર્ષણ ઊભું કર્યું હતું.
સોનપરી કેરીના ભાવ: પરિયા કૃષિ ફાર્મ ખાતે સંશોધન કરીને બનાવવામાં આવેલી સોનપરી નામની કેરી દક્ષિણ ભારતની બનેસાન નામની જાત સાથે હાફૂસને ક્રોસ કર્યા બાદ વિકસાવવામાં આવી છે જે કોઈ પણ વાતાવરણની અસરમાં ટકી રહેવા સક્ષમ છે. મીઠાશ અને ગુણવત્તા ક્ષેત્રમાં પણ તે ખૂબ આગળ છે. આ વર્ષે સોનપરી 20 કિલોના 4000 રૂપિયે વેચાઈ છે જે કેરીની જાત પણ મેંગો ફેસ્ટિવલમાં લાવવામાં આવી હતી.
ગાય આધારિત અને પ્રકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ: બે દિવસિયા ચાલનારા આ મેંગો મહોત્સવમાં ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરનારા આંબાવાડી ધરાવતા ખેડૂતોને પણ અહીં સ્ટોલ આપવામાં આવ્યા છ. જેમના દ્વારા ઓર્ગેનિક કેરીઓનું વેચાણ પણ અહીંથી કરવામાં આવી રહ્યો છે. જોકે બજાર કરતા તેનો ભાવમાં થોડી કિંમત વધુ જોવા મળી છે પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ રાસાયણિક દવાઓના છંટકાવ વગરની કેરીઓ આરોગ્ય માટે ખૂબ ઉમદા અને મીઠાશથી ભરપૂર હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.