વાપીઃ શનિવારે રાત્રે 9:45 વાગ્યા આસપાસ તલવાડાની લક્કી પ્લાય એન્ડ લેમીનેટ્સ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગમાં લાખો રૂપિયાની પ્લાય બળીને ખાખ થઈ હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તલવાડા ગામ ખાતે નેશનલ હાઇવે નજીક આ કંપનીમાં આગની ઘટનાથી અફરા તફરી મચી હતી.
વાપીમાં પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ વલસાડ જિલ્લાના ભિલાડ અને તલવાડા વિસ્તારમાં આવેલી પ્લાયવુડ કંપનીમાં આગની ઘટના બની હતી. આગને બુઝાવવા ઉમરગામ, સરીગામ, વાપીથી ફાયર ફાયટરોને બોલાવવામાં આવ્યા હતા. આગની વિકરાળ જ્વાળાને કાબુમાં લેવા માટે મોડી રાત સુધી પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યાં હતાં. મોટી મથામણ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગની ઘટનામાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડતા હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.મળતી માહિતી મુજબ કંપનીમાં લોકડાઉન દરમિયાન મોટા પ્રમાણમાં પ્લાયનો તૈયાર જથ્થો અને કાચું રોમટિરિયલ હતું. જેમાં અગમ્ય કારણોસર આગ લાગતા આખી કંપની ભડભડ સળગી ઉઠી હતી. આગની વિકરાળ જ્વાળાને કારણે આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. પ્લાયની કંપની ટાઈમેક્સ ડોર અને ટાઈમેક્સ પ્લાયવુડ નામે પ્લાય બનાવે છે. અગમ્ય કારણો સર લાગેલી આગની ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ કંપની સંચાલકોએ કંપનીમાં કામ કરતા પ્રવાસી કામદારોને વતન મોકલવામાં આનાકાની કરી હોય તે અંગેનો ખાર રાખી કંપનીના જ કોઈ કામદારે આ આગ લગાડી હોવાનું પ્રાથમિક તારણ છે.
જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ લોખોની પ્લાય બળીને ખાખ થઈ છે.