વલસાડ: સરીગામ GIDCમાં શુક્રવારે રાત્રે 11 વાગ્યા આસપાસ સરીગામ ફાયર વિભાગને કોલ આવ્યો હતો કે, દશમેશ રબર ઇન્ડસ્ટ્રીઝમાં ભયાનક આગ લાગી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ કંપની પર પહોંચી આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. આગની વિકરાળ જ્વાળામાં જોતજોતામાં આખી કંપની બળીને ખાખ થઈ હતી.

આ આગે નજીકની અન્ય બે કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લેતા ત્રણેય કંપનીઓમાં આગની વિકરાળ જ્વાળાને બુઝાવવા ઉમરગામ, વાપી સહિતના ફાયર ફાઇટરો બોલાવવાની ફરજ પડી હતી. તેમ છતાં છેલ્લા 11 કલાકથી આગ બુઝાઈ નથી. આગ પર ફાયરના જવાનો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે. તેમ છતાં શુક્રવારે રાત્રે 11 વાગ્યે બનેલી આગની ઘટના શનિવારે સવારે 10 વાગ્યા સુધી પણ બુઝાઈ નથી.
જોકે, આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. પરંતુ કંપનીઓમાં તમામ માલ અને ફર્નિચર સહિતનો સરસામાન બળીને ખાખ થઇ ગયો છે. આગની વિકરાળ જ્વાળાને લઇને સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે.