જિલ્લાના સૌથી વધુ રેવન્યુ ધરાવતા સરીગામની અસ્મિતા જોશી નામની બિલ્ડર મહિલાએ સરીગામના રહીશ અને ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય રાકેશ રાય વિરુદ્ધ ભિલાડ પોલીસ મથકમાં ધાક-ધમકી અને 1 કરોડની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર કેસ ખુબજ હાઈપ્રોફાઈલ કેસ હોય જેને લઇને હાલ ઉમરગામ સહિત વલસાડ જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.
સમગ્ર ફરિયાદ અંગે બંને પક્ષો એકબીજાના પક્ષ રાખી અંગત અદાવતમાં આ વિવાદ ઉભો થયો હોવાનું જણાવ્યું હતું. જેના મૂળમાં કરોડોની જમીન પર બનેલ બાંધકામ અને તેનો નકશો હોવાનું સ્વીકાર્યું હતું.
ઉલ્લેખનીય છે કે હાલ આ સમગ્ર મામલે પોલીસે રાકેશ રાય અને તેના સાળા સહિત અન્ય ત્રણ ઇસમોને પોલીસ સ્ટેશનમાં 107, 151ની કલમ હેઠળ કેસ નોંધી મામલતદાર સામે રજૂ કરતા જામીન પર છુટકારો થયો છે. જો કે તેમ છતાં બંને પાસે જમીનના અને બાંધકામના જે નકશા છે. તેમાં એક જ તારીખે ફેરફાર થયા હોવાનું સ્પષ્ટ જણાયું હતું, ત્યારે હવે આ મામલે કોણ સાચું અને કોણ ખોટું તે તો આગામી દિવસોમાં જો સરકાર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો જ જાણવા મળશે. હાલ તો આ હાઈ પ્રોફાઈલ કેસને લઈને જિલ્લામાં ખળભળાટ મચ્યો છે.