- વાપીમાં વાઈટલ કંપનીમાં ભીષણ આગ
- આગમાં કંપની ખાખ, અન્ય ને કંપનીમાં પણ પ્રસરી
- આગમાં સિલિન્ડર ફાટીને બહાર પડતા ગભરાટ
વલસાડ: વાપી GIDCમાં રવિવારે સાંજે 4:30 વાગ્યાની આસપાસ વાઈટલ લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના યુનિટ 1માં અગમ્ય કારણોસર ટાંકીમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. આગની વિકરાળ જ્વાળામાં આસપાસની અન્ય બે કંપનીઓ પણ ચપેટમાં આવી જતા કામદારોમાં ભાગદોડ મચી હતી. જ્યારે ફાયર વિભાગે આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
કંપની ફાર્મા ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ તૈયાર કરે છે
વાઈટલ લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની ફાર્મા ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ તૈયાર કરે છે. જેમાં રવિવારે આગની ઘટના બની હતી. આગમાં કેટલાક ગેસ સિલિન્ડર, અને ડ્રમ બ્લાસ્ટ થતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આગને કાબુમાં લેવા વાપી નગરપાલિકા ફાયર વિભાગ, નોટિફાઇડ ફાયર, ઉપરાંત, આરતી, હુબર, દમણગંગા પાર્ક સહિતના ફાયર વિભાગને પણ બોલાવવામાં આવ્યા હતા.
6 માળની કંપનીમાં ફાયરનો ફોર્સ ટૂંકો પડ્યો
જો કે આગ કંપનીના અંદરના પ્લાન્ટમાં લાગી હોય તેને બુઝાવે તે પહેલા જ પ્લાન્ટમાં જ્વલનશીલ કેમિકલનો જથ્થો હોવાથી તે આગની ઝપેટમાં આવી જતા આગ વિકરાળ સ્વરૂપે પ્રસરી હતી અને નજીકની અન્ય બે કંપનીઓને પણ પોતાની ચપેટમાં લીધી હતી. નવાઈની વાત એ પણ સામે આવી હતી કે 6 માળની કંપનીમાં લાગેલી આગને બુઝાવવા માટે ફાયરના વૉટર બ્રાઉસરનો ફોમ અને પાણીનો ફોર્સ પહોંચી શક્યો નહોતો એટલે આગ આખી કંપનીમાં પ્રસરી હતી. વિકરાળ જ્વાળા અને કાળા ડિબાંગ ધુમાડાને કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
પ્રાથમિક તપાસમાં જાનહાની ટળી
કંપની સંચાલકોએ આગમાં તૈયાર પ્રોડક્ટને ખાખ થતી બચાવવા તાત્કાલિક બહાર કાઢી અન્ય જગ્યાએ ખસેડ્યા હતી. જ્યારે આગની ઘટનાના 3 કલાક બાદ પણ કોઈ કર્મચારી અંદર ફસાયેલા છે કે કેમ તે અંગે કંપની સંચાલકો અજાણ હોવાથી જાનહાનીની વિગતો મળી નથી.