વાપીમાં અવધ લોજીસ્ટિક નામની પેઢી દ્વારા બહુરાષ્ટ્રીય કંપની એમેઝોનના પાર્સલ સેવાની ફ્રેન્ચાઇઝી ધરાવનાર કૃષ્ણકાંત દુબે અને તેમના પુત્ર નિતેશે તેમની કંપનીમાં કામ કરતા સંદીપ સંજીવ સરતાપે નામના ઇસમને ડંડા વડે બેફામ માર માર્યો હતો. તેઓએ યુવકને એટલી હદ સુધી માર્યો કે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. આ બાપ દિકરાએ તેમની કંપનીમાં કામ કરતા 28 કર્મચારીઓને 4 મહિનાથી પગાર ચૂકવ્યો નથી. જે અંગે સંદીપે માલિકને પગાર ચૂકવવા જણાવ્યું હતું. સંદીપનો પણ 5 મહિનાનો પગાર તેમજ વાનનું ભાડું બાકી હતું. આ બાકી નિકળતા પૈસા ન આપવા પડે તે માટે બાપ-દીકરાએ સંદીપને ઓફિસે બોલાવી લાકડાના ડંડા વડે બેફામ માર માર્યો હતો. આ માર માર્યાની સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી.
દિકરાની ગંભીર હાલતને ધ્યાનમાં રાખી તેની માતાએ સંદીપને હોસ્પિટલમાં ભરતી કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી બાપની ધરપકડ કરી હતી. જે બાદ આરોપી બાપને પોલીસે ગણતરીના કલાકોમાં જ જામીન પર મુક્ત કરી દીધો છે. પિતાને જામીન આપ્યા બાદ પોલીસે આરોપી પુત્ર નિતેશની ધરપકડ કરી હતી. સોમવારે તેને પણ જામીન પર મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ સામાન્ય સંજોગોમાં આવા અપરાધીઓને જેલના સળિયા પાછળ ધકેલી કાયદાનો પાઠ ભણાવતી હોય છે, પરંતુ કર્મચારીને ઢોર માર મારી દબંગાઈ કરનાર આ બાપ દીકરાને કાયદાનો પાઠ ભણાવવાને બદલે નરમ વલણ અપનાવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસ આવા ઇસમો સામે કડક કાર્યવાહી કેમ નથી કરી રહી તે પણ એક સળગતો પ્રશ્ન છે. ઘાયલ સાંદિપની માતાએ પોલીસ પર પૈસા ખાઈ વહેચાઈ ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે. શું તે સાચા છે? શું ખરેખર પોલીસે આ મામલે બાપ દિકરાને બચાવી રહી છે?