કપરાડા તાલુકાના વિરક્ષેત ગ્રામ પંચાયતમાં કુલ 12 ફળીયા આવેલા છે. જો કે સરપંચ દ્વારા 12 ફળીયાના વિકાસમાં યોગ્ય ન્યાય આપી શકે તેમ ન હોવાથી લોકોએ અલગ પંચાયતની માંગ કરી હતી. આખરે કુકુનિયા ગામને અલગ પંચાયત મળી હતી. ત્યારે કુકુનિયા ગ્રામ પંચાયતમાં મુલગામ ફળીયામાં રહેતા ભગવાનભાઈ દેવરામ વાઘમારે કે જેમનો પરિવાર છેલ્લા 3 વર્ષથી કાચા મકાનમાં રહે છે. જ્યારે વીરક્ષેત પંચાયત હતી તે સમયથી આ ફળિયામાં ઘરનું ઘર યોજના માટે ગ્રામ પંચાયતમાં ઠરાવો કરી આપ્યા હતા. સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને પણ વીજ કનેક્શન અને મીટર આપવા માટે અરજી કરી હતી. તો વિજ કંપની વાળાઓએ પરિવાર પાસે કનેકશન આપવાના 4500 રૂપિયા માંગ્યા હતા. જો કે, તેઓની આર્થિક હાલત આટલા પૈસા ચૂકવી શકે તેમ ન્હોતી. જેને લઈ તેમના પરિવારને છેલ્લા 3 વર્ષથી ભગવાનભાઈના ઘરમાં મીણબત્તીના પ્રકાશમાં જ રહેવાની ફરજ પડી હતી.
જ્યારે આ અંગે ભગવાન ભાઈની પત્ની સાથે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી તેઓ ઘરના દરેક કામ મીણબત્તીના અજવાળે કરતા આવ્યા છે. વળી તેમને નાના બાળકો પણ છે, અંધકારમાં તેમને પણ સાચવવા, રસોઈ કરવી જેવી અનેક બાબતોમાં ભારે અગવડ પડે છે. બીજી તરફ મકાન કાચું હોવા છતાં આ પરિવારનું રેશન કાર્ડ BPLની જગ્યાએ APL બનાવી દેવામાં આવ્યું છે. જેથી તેમને કેરોસીન પણ મળી શકતું નથી. જેને કારણે પરિવારને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેરોસીન મળે તો દીવો પણ પ્રજ્જવલિત થાય પણ અહીં તો તે પણ સંભવ નથી, ત્યારે આ પરિવારની માગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે કે, દરેક પરિવારને ઘરનું ઘર મળે. તેમ આ પરિવારને પણ ઘર મળે એવી આશા સાથે તેઓ હાલ જીવન વ્યતિત કરી રહ્યા છે.
એક તરફ જ્યાં મોદી સરકાર દરેક ગામમાં ઘર આપવાની વાત કરી રહી છે, ત્યાં કપરાડાના કુકુનિયા ફળીયામાં એક પરિવાર ઘરથી વંચિત છે. ઈલેક્ટ્રિક કનેક્શનથી વંચિત છે અને ગુજરાત સરકાર વિકાસ થયો હોવાની વાતો કરે છે.