- સવારથી જ લાંબી કતારો મતદાન મથક ઉપર જોવા મળી
- મતદારોને માસ્ક, સેનિટાઈઝર સહિતની ચીજો આપવામાં આવી
- બપોર 2 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતમાં 29.09 ટકા મતદાન નોંધાયું
વલસાડઃ જિલ્લા પંચાયતની 37 બેઠકો માટે તેમજ તાલુકા પંચાયતની 157 બેઠકો માટે આજે વહેલી સવારથી 1122 બુથ ઉપરથી મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મતદાનની ટકાવારીની વાત કરીએ તો સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લા પંચાયત ઉપર 29.9 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં કુલ 2,70,310 લોકોએ મતદાન કર્યું હતું.
તાલુકા પંચાયતમાં કુલ 30.91 ટકા જેટલું મતદાન બપોરે 2 વાગ્યા સુધીમાં નોંધાયું
જ્યારે તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં કુલ 30.91 ટકા જેટલું મતદાન બપોરે 2 વાગ્યા સુધીમાં નોંધાઈ ચૂક્યું હતુ. તાલુકા પંચાયતની વિવિધ બેઠકો મુજબ બપોરે 2 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં 38.25 ટકા, કપરાડામાં 22.75 ટકા, વાપી તાલુકામાં 37.45 ટકા, ધરમપુર તાલુકામાં 37.57 ટકા, પારડી તાલુકામાં 34.22 ટકા જ્યારે ઉમરગામ તાલુકામાં 23.18 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહેલી સવારથી જ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં જોવા મળ્યા હતા ધરમપુર, કપરાડા, પારડી, વલસાડ અને વિવિધ તાલુકાઓમાં 1122 બુથ ઉપરથી મતદાન શરૂ થયું હતું જે બપોર બાદ પણ સતત ચાલી રહ્યું હતું.