- ધરમપુર અને આસપાસના ગામોમાં કેરીનો પાક ધરાવતા ખેડૂતોને નુક્સાન
- પવન સાથે આવેલા વરસાદને કારણે અનેક કેરીઓ આંબેથી ખરી પડી
- વેપારીઓ પાસે 2 દિવસથી પુષ્કળ જથ્થો આવતા જગ્યા પણ ખૂટી પડી
વલસાડ: દક્ષિણ ગુજરાતના કેરીના ખેડૂતોને આ વર્ષે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે. કારણ કે દર વર્ષે મે માસમાં આંબાવાડીમાં કેરીઓ તૈયાર થઈ જતી હોય છે અને જૂનની 15 તારીખ સુધીમાં ખેડૂતો કેરીઓ ઉતારીને વેપારીઓને આપી દેતા હોય છે, પરંતુ આ વર્ષે કેરીઓ આંબાવાડીમાં તૈયાર થાય તે પહેલાં જ વાવાઝોડું પહોંચી ગયું હતું. જેના કારણે પુષ્કળ પવન સાથે આવેલા વરસાદને પગલે અનેક આંબાવાડીઓમાં કેરી જમીન પર પડી ગઈ હતી. જેના કારણે વરસાદી પાણીમાં ભીંજાયેલી કેરી કોઈપણ રીતે ઉપયોગી થઈ શકે જ નહીં તેવી પરિસ્થિતિમાં તમામ ખેડૂતોએ પડી ગયેલી કેરીઓ વેપારી સુધી પહોંચતા કરી હતી, પરંતુ નજીવા ભાવે વેપારીઓ ખરીદી તેને એક માત્ર જ્યુસ બનાવતી કંપની સિવાય અન્ય કોઈપણ જગ્યાએ મોકલી શકાય તેમ ન હોવાથી વેપારીઓ પાસે પણ મોટી માત્રામાં કેરીનો જથ્થો છેલ્લા બે દિવસમાં એકત્ર થઇ ગયો છે.
ધરમપુરના કેરી માર્કેટમાં દરેક ખેડૂતો પાસે 20 ટનથી વધુ કેરીનો જથ્થો બે દિવસમાં પહોંચી ગયો
તૌકતે વાવાઝોડાની અસર એટલી હદે વર્તાઈ છે કે, ગ્રામીણ કક્ષાએ આવેલી આંબાવાડીઓમાં ઝૂલતી કેરીઓ તમામ નીચે પટકાઈ હતી અને આ તમામ કેરીઓ ખેડૂતો વેપારી સુધી માત્ર બે જ દિવસમાં પહોંચતી કરી દીધી હતી અને જે પણ પૈસા મળે તે રોકડા કરી લેવા માટે ખેડૂતો તૈયાર હતા, પરંતુ ઝડપી પવન અને વરસાદ સાથે પડેલી કેરીઓને કારણે કેટલીક જગ્યાઓ પર કાચી કેરી તો કેટલીક જગ્યાઓ ઉપર વરસાદી પાણીથી ભીંજાયેલી કેરી વેપારીઓ સુધી પહોંચી હતી. ધરમપુર કેરી માર્કેટમાં દરેક વેપારીઓ પાસે માત્ર 2 દિવસમાં 20 ટકાથી વધુનો જથ્થો વાવાઝોડામાં પડેલી કેરીનો ખેડૂતો લઈને પહોંચી ગયા હતા.
વેપારીઓ પાસે એટલી હદે જથ્થો વધી ગયો કે તેમણે ખેડૂતો પાસેથી કેરી ખરીદવાની પણ બંધ કરી દીધી
ધરમપુરના સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે, છેલ્લા બે દિવસમાં વાવાઝોડાને પગલે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુક્સાન પહોંચ્યું છે અને અનેક જગ્યાએથી ખેડૂતો ટેમ્પો ભરીને નીચે પડી ગયેલી કેરીઓ તેમના સુધી વેચવા માટે લઈને આવી રહ્યા છે, પરંતુ વેપારીઓની હાલત એટલી કફોડી બની છે કે તેમની પાસે એટલી કેરીનો જથ્થો વધી ગયો છે અને કેરીઓ મૂકવાની જગ્યા પણ રહી નથી. જેના કારણે હવે વેપારીઓએ ખેડૂતો પાસેથી કેરી ખરીદવાની બંધ કરી છે.
બે દિવસ પહેલા જે કેરીનો ભાવ 20 કિલોના 1200 રૂપિયા હતો, તે ગગડીને 200 રૂપિયા થઈ ગયો
વાવાઝોડું આવતા અગાઉ દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત એવી હાફૂસ અને કેસર કેરીનો ભાવ 20 કિલોના 1200 રૂપિયા જેટલો બોલાતો હતો. વાવાઝોડું આવ્યા બાદ અચાનક જ તેનો ભાવ ગગડી પડ્યો હતો અને 200 રૂપિયા થઈ જતા ખેડૂતોની હાલત તો કફોડી બની હતી. સાથે સાથે વેપારીઓની હાલત પણ કફોડી બની ગઈ હતી. કારણ કે વરસાદમાં ભીંજાયેલી કેરી કોઈ પણ ગ્રાહક ખરીદશે નહીં.
વાવાઝોડામાં નીચે પડેલી અને ભીંજાયેલી કેરી જ્યુસ બનાવતી કંપની સિવાય કોઈ જગ્યાએ જતી નથી
વાવાઝોડાના કારણે વલસાડ જિલ્લામાં આંબાવાડી ધરાવતા ખેડૂતોને મોટો ફટકો પડયો છે. એક તરફ સતત 3 વર્ષથી વાતાવરણના પલટાથી પાક ઓછો છે. તો બીજી તરફ વાવાઝોડાના મારને કારણે જે ખેડૂતોને વળતર મળવાની આશા હતી. તેના ઉપર પાણી ફરી વળ્યું છે. વાવાઝોડામાં પડી ગયેલી અને વરસાદી પાણીમાં ભીંજાયેલી કેરી વેપારીઓ પાસે માત્ર જ્યુસ બનાવતી કંપનીઓ ખરીદે છે, પરંતુ તેમણે પણ આ તકનો લાભ લઇને વેપારીઓ પાસેથી ખરીદીના ભાવ ઓછા કરી નાંખ્યા છે. જેના કારણે વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાઇ ગયા છે.