- તૌકતેને પગલે નારગોલ ગામમાં અનેક ઠેકાણે નુકસાની સર્જાઈ
- એક તબેલો સંપૂર્ણ ધરાશાયી થતા બે ગાય અને વાછરડાને ઇજા પહોંચી
- માંગેલ વાડ ખાતે ઘરની છતના પતરા ઉડ્યા
વલસાડ : તૌકતે વાવાઝોડાની અસરને કારણે ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં અનેક ઠેકાણે નુકસાની સર્જાઈ છે. આ ઘટનાની મળતી વિગત મુજબ નારગોલ માંગેલવાડ આંગણવાડીના છતના પતરા ઉડ્યા છે. નારગોલ નવા તળાવ- 2 ખાતે દશરથભાઈ હરીભાઈ ભંડારીનો તબેલો સંપૂર્ણ ધરાશાયી થતા બે ગાય અને વાછરડાને ઇજા પહોંચી હતી. પશુ ચારાને નુકસાન થયું છે. માંગેલ વાડ ખાતે અરુણાબેન કમળા શંકર માંગેલાના ઘરની છતના પતરા ઉડ્યા હતાં.
![નારગોલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/damanndrf_18052021170730_1805f_1621337850_224.jpeg)
આ પણ વાંચો : જૂઓ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ: પોરબંદરમાં અનેક વૃક્ષો થયા ધરાશાયી, કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનું રેસ્ક્યુ
વાપીમાં ડુંગરી ફળિયા વિસ્તારમાં એક વ્યક્તિનું મોત
આ તરફ વાપીમાં ડુંગરી ફળિયા વિસ્તારમાં એક વ્યક્તિનું મોત થયું છે. જેની જાણ વાપી નગરપાલિકા પ્રમુખને થતા પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિથી અવગત થયા હતાં. મૃતક યુવકનું નામ મર્કેન્ડય યાદવ કરીને હતું. તે તેના મિત્ર સાથે રાત્રે સૂતો હતો, ત્યારે નજીકની દીવાલ ધસી પડતા પતરાવાળી રૂમ તૂટી પડી હતી. જેમાં એક વ્યક્તિ મોતને ભેટ્યો હતો. જ્યારે બીજા યુવકને સામાન્ય ઇજા થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. વધુ તપાસ ડુંગરા પોલીસ ચલાવી રહી છે.
![તૌકતે વાવાઝોડાને કારણે વાપીમાં એકનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/damanndrf_18052021170730_1805f_1621337850_1063.jpeg)
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાની અસર વડોદરા શહેરમાં જોવા મળી, ભારે પવન સાથે વરસાદનું આગમન
ટ્રાન્સફોર્મરને નુકસાન થતા સોમવાર રાતથી લાઈટ ગુલ
આ સાથે જ ખેડૂતોની આંબા અને નારિયેળીની વાડીને ભારે નુકસાન થયું છે. માંગેલવાડ, નવાતળાવ, નવી નગરી ખાતે વીજળીના થાંભલા, તાર અને ટ્રાન્સફોર્મરને નુકસાન થતા સોમવાર રાતથી લાઈટ ગુલ છે.