વલસાડ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી વાપી ઇન્ડસ્ટ્રીઝની આસપાસના 15 જેટલા ગામડાના ખેડૂતો છેલ્લા 10 વર્ષથી ખેતી છોડી અન્ય ધંધા તરફ વળી રહ્યાં છે. કેમ કે આ ગામડાઓમાં ઉદ્યોગોના કારણે જોઈએ તેવું પાકનું ઉત્પાદન થતું નથી.
વાપી ઇન્ડસ્ટ્રીઝને અડીને આવેલા બલિઠા, છીરી, છરવાડા, સલવાવ, કરવડ, વલવાડા, નામધા અચ્છારી જેવા ગામોમાં હવે ખેતીની જમીન જ ગાયબ થઈ રહી છે અને ખેતીની જમીનમાં ઉદ્યોગો, ભંગારના ગોડાઉન, રહેણાંક ઇમારતો બની ગઈ છે. આવી જ દશા વાપી સિવાયની અન્ય ચાર GIDC નજીક પણ છે ત્યારે માત્ર ખેતી પર નભતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
આ અંગે અચ્છારી ગામના ખેડૂત વસંત પટેલે જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલાં ઓછા ખાતરમાં અને નામ માત્રના દવા છંટકાવમાં જે કેરીનો પાક આવતો હતો. તેની તુલનાએ આજે ત્રણ કે ચાર વાર દવા છંટકાવ કરીને અને ત્રણ ગણું ખાતર આપીને પણ અડધો પાક લઇ શકાતો નથી. કેમ કે ઉદ્યોગોના કારણે વાતાવરણમાં ભળતો ધુમાડો કેરીના પાક માટે તૈયાર થતી મંજરીને બેસવા જ નથી દેતો, વધારામાં જમીનના પાણી પણ ખરાબ થયા છે. જેને કારણે હાલમાં બાગાયતી પાકો ઉપરાંત, ગુલાબની ખેતી, શાકભાજી, કઠોળની એમ દરેક ખેતીમાં ઉત્પાદન દિવસો દિવસ ઘટી રહ્યું છે અને હવે તો ખેડૂતોએ પીવાનું પાણી પણ વેંચાતું લેવું પડે છે. કેમ કે જમીનમાં જે પાણી છે તે ખરાબ કેમિકલયુક્ત નીકળે છે.
આવી જ વાત અન્ય ખેડૂત સુભાષ ધોડી પણ કહી રહ્યાં છે. સુભાષ જણાવે છે કે, કેરી જ નહીં શાકભાજીની સિઝન પણ મોંઘા ખાતર અને દવા છંટકાવ બાદ પણ નિષ્ફળ જઈ રહી છે. જો ઉદ્યોગોમાંથી નિકળતું હવાનું અને પાણીનું પ્રદુષણ અટકે તો જ અમારું ગુજરાન ચાલશે અને ખેતી ટકશે બાકી કેમિકલની આડઅસરને લીધે હાલમાં તો અમારો તમામ પાક નિષ્ફળ જઈ રહ્યો છે.
તો પાકના નિષ્ફળ જવા અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી બી. આર. ગજ્જર કઈંક જુદો જ મત આપી રહ્યાં છે. GPCBના અધિકારીના મતે આજથી 20 વર્ષ પહેલાં જે પ્રદૂષણની માત્રા હતી તેમાં અને આજની માત્રામાં લેવાતા ડેટા બેઝ મુજબ મોટાપાયે ઘટાડો નોંધાયો છે અને હાલ સ્થિતિ ખુબજ નિયંત્રણમાં છે. તેમ છતાં ખેતી ક્ષેત્રે ઘટતું ઉત્પાદન લેન્ડ પેટર્નને આભારી છે. વર્ષો પહેલા જે જમીન ખતીની હતી ત્યાં, હવે ત્રણ ગણો વસ્તી વધારો થયો છે. ખેતીની જમીનમાં ઔદ્યોગિકરણ ચોક્કસ થયું છે પરંતુ, તેની અસર ખેતી પર પડતી હોય તેવું જણાયું નથી.
આ સમગ્ર મામલે વલસાડ જિલ્લાના પરિયા ખાતે આવેલ ખેતીવાડી સંશોધન કેન્દ્રના નિયામક ડી. કે. શર્મા સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ખરેખર તો હજુ સુધી એવું કોઈ સંશોધન થયું જ નથી કે ઉદ્યોગોને કારણે ખેતીના પાક પર કેટલી માઠી અસર પડે છે. હા, વાતાવરણના ફેરફારને કારણે જીવાતનો ઉપદ્રવ કે અન્ય ભેજયુક્ત વાતાવરણથી પાકને કેટલી અસર થશે તે અંગે ખેતીવાડી વિભાગ જરૂર વર્તારો આપે છે. પરંતુ હવામાં કે પાણીમાં કેમિકલના કારણે થતા નુકસાન અંગે કોઈ જ વિભાગ કાર્યરત નથી.
વલસાડ જિલ્લો છેલ્લા 40 વર્ષથી ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં થતા બાગાયત પાકો, શાકભાજી અને કઠોળના વાવેતરમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. તેવું ખેડૂતોનું માનવું છે. ખેતીમાં હવે નુકસાની સહન કરવી પડતી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યાં છે. આ સમગ્ર મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આજ થી 20 વર્ષ પહેલાંની તુલનામાં પ્રદુષણ ઘટ્યું હોવાનું જણાવે છે. અને પાક ઉત્પાદન પાછળનું કારણ એ વિસ્તારમાં થયેલા વસ્તી વધારાને અને ખેતીની જમીન રહેણાંક વિસ્તારમાં પરિવર્તિત થઈ છે તેવો રાગ અલાપી રહ્યા છે. ત્યારે, હવામાનના વાર્તારા આપતા ખેતીવાડી વિભાગો ઉદ્યોગોના પ્રદૂષણની પાક પર થતી માઠી અસર અંગે પણ સંશોધન હાથ ધરે તે જ હાલના સમયની માંગ છે.