વલસાડ : કપરાડા તાલુકામાં આવેલી કેટલીક પ્રાથમિક શાળામાં 14 ફેબ્રુઆરીના રોજ માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસારામ બાપુના બેનરો મૂકી બાળકો પાસે આરતી પૂજા કરાવી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારબાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. હાલ જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષકોને નોટિસ આપી આ મામલે ખુલાસો કરવા જણાવ્યું છે.
શું હતો મામલો ? આ અંગે મળતી માહિતી અનુસાર કપરાડા તાલુકાની 3 શાળામાં 14 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થતા નવેમ્બર મહિનામાં કુલ 32 શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે. જેનો જવાબ પણ શિક્ષકો દ્વારા આપવામાં આવ્યો હતો. તેમાં ઉલ્લેખ કર્યો હતો કે, કાર્યક્રમ દરમિયાન વાલીઓ આસારામ બાપુના બેનરો લઈને આવ્યા હતા અને આ ધ્યાને આવતા શિક્ષકોએ બેનરો બહાર કાઢી નાખ્યા હતા.
કાર્યક્રમનો વીડિયો વાયરલ : હાલમાં આસારામ બાપુ જેલમાં બંધ છે અને એવા સમયે માતૃપિતૃ પૂજનના નામે સ્કૂલમાં બાળકો પાસે આશારામ બાપુના ફોટો સામે રાખી પૂજા કરાવી હોવાની ચર્ચા ઉઠી છે. ઉપરાંત આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ સમગ્ર બાબત ભારે ચર્ચામાં આવી હતી અને રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી.
કપરાડા તાલુકામાં બાલચોડી પ્રાથમિક શાળા, નાનાપોન્ડા પ્રાથમિક શાળા અને મોટાપોઢા પ્રાથમિક શાળા ખાતે માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં આ સમગ્ર પ્રકરણની તપાસ ચાલી રહી છે અને તપાસમાં જે પણ ત્રુટી જણાશે તો તે બાદ સમગ્ર પ્રકરણમાં શિક્ષાત્મક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવશે. -- બી.ડી. બારીયા (વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી)
તાલુકા શિક્ષક સંઘ આસારામનો ભગત ? ઉલ્લેખનિય છે કે, કપરાડા તાલુકામાં બે શિક્ષક સંઘ કાર્યરત છે. જેમનો એક શિક્ષક સંઘ આસારામ બાપુના ભક્ત હોવાથી ભક્તિના કાર્યને આગળ ધપાવવા માટે સ્કૂલમાં માતૃપિતૃ પૂજન કાર્યક્રમ આયોજિત કરવા માટે શાળાના આચાર્ય દ્વારા જણાવામાં આવ્યું હતું. આથા 14 ફેબ્રુઆરીના રોજ વાલીઓ આચાર્યના હુકમને માન આપીને શાળાએ એકત્ર થઈ અને પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિક્ષણાધિકારીનું નિવેદન : આ સંદર્ભે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી. બારીયાએ જણાવ્યું કે, કપરાડા તાલુકામાં ત્રણ જેટલી શાળાઓમાં માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલચોડી પ્રાથમિક શાળા, નાનાપોન્ડા પ્રાથમિક શાળા અને મોટાપોઢા પ્રાથમિક શાળા ખાતે માતૃપિતૃ પૂજન કાર્યક્રમ આયોજિત થયો હતો. જે બાદ આ સમગ્ર પ્રકરણમાં વિવાદ વધ્યો હતો. હાલમાં આ સમગ્ર પ્રકરણની તપાસ ચાલી રહી છે અને તપાસમાં જે પણ ત્રુટી જણાશે તો તે બાદ સમગ્ર પ્રકરણમાં શિક્ષાત્મક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવશે.
32 શિક્ષકોને નોટિસ : આ સમગ્ર મામલો જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન પર આવ્યા બાદ હાલમાં એક્શન લેવામાં આવ્યા છે. આમ માતૃપિતૃ પૂજનના નામે જેલમાં બંધ આસારામ બાપુના બેનરો લગાવી સ્કૂલના આંગણે બાળકો પાસે પૂજન કરવાને લઈને વાયરલ થયેલા વીડિયો બાદ 32 શિક્ષકોને નોટિસ આપી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેને પગલે શિક્ષણ આલમમાં ફફડાટ ફેલાયો છે.