વલસાડ: કોરોના સંક્રમણના કારણે હાલમાં શાળા બંધ છે, તેમ છતાં કોરોના વોરિયર્સના સન્માનની સાથે શાળાના બાળકોને જરૂરિયાતની વસ્તુઓ પહોંચતી કરવા દમણ નિવાસી વિકલાંગ મિસ્ત્રી સતત દોડતા રહ્યા છે.
આજે રવિવારે વલસાડ નજીક આવેલા ગાડરિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને હાજર રાખીને ઈલેક્ટ્રીક સ્ટીમ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. પંકજભાઈ મિસ્ત્રી અને તેમના ધર્મપત્ની કેતકી બેન મિસ્ત્રીએ બાળકોને શરદી, ખાંસી, કફ જેવી તકલીફો વખતે પ્રાથમિક ઉપચાર માટે સ્ટીમ મશીનની આવશ્યકતા સમજી તેની વિનામૂલ્યે ભેટ ધરી હતી. તેઓ આ શાળાને દત્તક લઇ છેલ્લા બે વર્ષથી બાળકોની શૈક્ષણિક જરૂરિયાતો ઉપરાંત ટીવી, યુનિફોર્મ, છત્રી, રેઇનકોટ, કપડા, મોજા, રૂમાલ અને રમત-ગમતના સાધનો વગેરે પૂરું પાડી બાળકોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું છે. આજે તેમની સાથે આદિવાસી વિકાસ સેવા સંગઠન તરફથી અજય અને જીનલ પટેલ હાજર રહ્યા હતા.
આજે આ કાર્યક્રમ દરમિયાન દાતાઓનું સન્માન અને આભારદર્શનમાં સ્કૂલના એસએમસી અધ્યક્ષ કિન્નરીબેન, શિક્ષણવિદ રામુભાઈ, રમેશભાઈ અને વિનયભાઈ જોડાયા હતા. ઉપરાંત દરેક બાળકના પ્રતિનિધિ તરીકે વાલીઓ હાજર રહ્યા હતા. આ સાથે કોરોના સંક્રમણ સંબંધી નિયમોનું પાલન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.