વલસાડઃ જય જલારામ અન્નપૂર્ણા સેવા મંડળના યુવાનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી જરૂરીયાત મંદ અને નિસહાય લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં એક માસથી ચાલી રહે એટલું અનાજ ચોખા, દાળ, તેલ, ડુંગળી, બટાટા તેમજ મરી મસાલો સહિત ચીજ વસ્તુઓની એક હાથી કીટ બનાવી જરૂરીયાત મંદ અને નિઃસહાય લોકોને આપવામાં આવી રહી છે. આજે કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામે 20થી વધુ મહિલાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે-સાથે ઘરે બેસીને અભ્યાસ કરી રહેલા બાળકો માટે નોટબુક પેન્સિલ જેવી શૈક્ષણિક ચીજો પણ બાળકોને વિતરણ કરાઇ હતી.
મહત્વનું છે કે કોરોનાની મહામારીને લઈને દરેકના વ્યવસાય ઉપર તેની સીધી અસર પડી છે અને આવા સમયમાં અનેક એવા પરિવારો અંતરિયાળ ગામડાના વિસ્તારમાં રહે છે. જેઓ બેરોજગાર બન્યા છે અને છેલ્લા ચાર માસથી પોતાના ઘરે બેરોજગાર બનેલા આ પરિવારની આર્થિક સ્થિતિ તો નબળી છે જ સાથે-સાથે તેમના ઘરમાં મરી મસાલા અને અનાજ પણ ખોટી પડે એવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે આવા સમયમાં આવી સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરિયાત મંદ લોકોને મદદ કરી પોતાની સામાજિક દાયિત્વ પૂર્ણ કરવાની કામગીરી કરાઈ રહી છે.