વલસાડ: ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ગ્રામ પંચાયત કચેરીમાં કામ કરતાં કોમ્પ્યુટર ઓપરેટરોને તેમનું મહેનતાણું યોગ્ય ન મળતાં તેમજ તેઓને કાયમી ન કરવામાં આવતાં અનેક ગામોમાં ગ્રામ પંચાયતોમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરો છેલ્લા ત્રણ દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જેના કારણે ગ્રામ પંચાયતની કામગીરી હાલ ઠપ થઈ ગઈ છે. ત્યારે 7/12ની નકલ 8 અ સહિતના ઉતારાની નકલ મેળવવા આવતા વિવિધ ગામોના લોકો હવે ગ્રામ પંચાયતને છોડીને મામલતદાર કચેરી ધરમપુર ખાતે સેંકડોની સંખ્યામાં ઉમટી રહ્યા છે.
ધરમપુરની આસપાસમાં આવેલા ગામોમાંથી લોકો વહેલી સવારથી જ લાંબી લાઈનોમાં ઊભા રહી જાય છે અને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહી પોતાની 7/12ની નકલ 8 અ ની નકલ કઢાવવાની રાહ જોતા હોય છે.
મહત્વનું છે કે, ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે હંગામી ધોરણે લેવામાં આવેલા કોમ્પ્યુટર ઓપરેટરો હાલમાં ચોક્કસ મુદતની હડતાળ પર છે. જેના કારણે આ દ્રશ્યો મામલતદાર કચેરી ઉપર જોવા મળ્યા હતા.