વલસાડ: હિંદુ ધર્મમાં જેમને પ્રથમ પૂજનીય મનાય છે. વિઘ્નકર્તા એવા દેવાધિદેવના પુત્ર ગણેશજીના મહોત્સવ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશજીની દસ દિવસ પૂજા-અર્ચના કર્યા બાદ તેમને ધામધૂમથી વિદાય આપવામાં આવે છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે એક મહિલાભક્ત કે જેણે 54 વર્ષથી ગણેશની પ્રતિમાઓનું વિસર્જન નથી કર્યું.

54 વર્ષથી ગણેશજીની સ્થાપના: નયનાબેન PHDની પદવી પ્રાપ્ત એક નિવૃત શિક્ષિકા છે. તેઓ ગણેશજીને પોતાના ઇષ્ટ દેવ માને છે. છેલ્લા 54 વર્ષથી તેઓ ગણેશજીની પ્રતિમા લાવી સ્થાપના કરે છે પરંતુ તેમને વિદાય આપતાં નથી. તેઓ મહારાષ્ટ્રના મુંબઈથી લઇને વડોદરા સુધીમાં 108 જેટલી ગણેશપુરાણ કથા પણ કરી ચુક્યા છે. તેમને ગણેશજીના ભક્ત તરીકે અનેક લોકો ઓળખે છે. તેઓ વલસાડ તીથલ રોડ ઉપર આવેલા સેવાશ્રમ મંદિરની સામે રહે છે. આજે પણ તેમણે મળવા અને તેમના ગણેશજીના દર્શન કરવા માટે અનેક લોકો આવે છે.

ગણેશજી ઉપર ઘણા પુસ્તકો: ડોક્ટર નયનાબેન દેસાઈ અત્યાર સુધીમાં ગણેશપુરા અને ગણેશજી ઉપર અનેક પુસ્તકો લખી ચુક્યા છે. આજે પણ તેમની ગણેશ આરાધના ઓછી ન થતાં વધુ ને વધુ પ્રબળ બની રહી છે. ત્યારે આ વર્ષે પણ તેમણે સ્થાપિત કરવામાં આવેલા પ્રતિમાનું તે વિસર્જન કરશે નહિ. આમ વર્ષોથી તેમણે લીધેલ પ્રણ મુજબ ગણેશજીને આવકાર આપે છે પરંતુ વિદાય આપવામાં આવતી નથી. આ પરંપરા તેઓ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી સતત ચાલુ રાખશે.

કેમ નથી આપતાં વિદાય: 25 વર્ષ પહેલા તેમણે એકત્ર થયેલ ગણેશજીની મૂર્તિઓને વિસર્જન કરવા માટે નક્કી પણ કર્યું હતું. સમયે ગણેશ યજ્ઞ કરવામાં આવ્યો અને એજ સમયે એમના ઘરમાં રાખવામાં આવેલ અનેક ઈલેક્ટ્રોનિક સાધનો અસ્ત વ્યસ્ત થઇ બગડી ગયા. જેને પગલે નયના બેનને મનમાં થયું કે નક્કી ભગવાન વિદાય લેવા માંગતા નથી. જેથી તેમણે તે દિવસથી જ ગણેશ પ્રતિમા વિસર્જન કરવાનું માડી વાળ્યું હતું.