વાપી: દમણમાં સોમવારે 20 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે સાત દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દમણમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 115 પહોંચ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં 77 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સતત કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ 50 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
દમણની જેમ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. સોમવારે દાદરા નગર હવેલીમાં નવા સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. એ સાથે કુલ એક્ટિવ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 104 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 86 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓને કારણે 56 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ તરફ વલસાડ જિલ્લામાં પણ કોરોના કેસના આંકડા સતત વધી રહ્યા હોય મંગળવારથી 17મી જુલાઈ સુધી વાપીની અને 12મી જુલાઈ સુધી વલસાડ શહેર અને જિલ્લામાં દરેક દુકાનો સવારના 07થી સાંજના 04 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય વેપારી મંડળ દ્વારા લેવાયો છે.
વલસાડ જિલ્લામાં સૌથી વધુ કેસ વાપીમાં નોંધાઈ રહ્યા છે. સોમવારે વલસાડ જિલ્લામાં કુલ 13 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં વાપીના 07 વલસાડના 04 અને પારડી-કપરાડાના એક-એક દર્દીનો સમાવેશ થાય છે.