વલસાડઃ જિલ્લામાં સીઝનલ ફલુના રોગ અંગેની સતર્કતા અંતર્ગત વલસાડ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. મનોજ પટેલ દ્વારા બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદના પ્રોફેસર અને હેડ ઓફ મેડિસીન ડૉ.કમલેશ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ખાનગી અને સરકારી ડૉક્ટર્સ માટેના નોવેલ કોરોના વાયરસ રોગ નિયંત્રણ અંગેના સેમિનારનું આયોજન કરાયું હતું.
આ સેમિનારમાં વલસાડ જિલ્લાના સરકારી અને ખાનગી હોસ્પિટલના ડૉક્ટર્સ,, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, વલસાડ, વાપી, દમણ, સેલવાસના પ્રતિનિધિઓ, આરોગ્ય વિભાગ અને GMERS મેડિકલ કૉલેજના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. ડૉ.કમલેશ ઉપાધ્યાય દ્વારા સરળ અને સચોટ રીતે કોરોના વાયરસ કેવી રીતે ફેલાયો અને રાજ્યમાં રોગચાળો ન થાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત રોગ માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યાં હતા.
આ સેમિનારમાં દર્દીની સારવાર કઇ રીતે કરવી તે બાબતે સમજ આપવામાં આવી હતી. આ રોગ માટે હાલ કોઇ રસી કે, દવા ઉપલબ્ધ નથી, ત્યારે ખાનગી ડૉક્ટરોને ચાઇનાથી પરત આવેલા વ્યક્તિમાં શરદી, ખાંસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તેને તાત્કાલિક GMERS મેડિકલ કૉલેજના આઇસોલેટેડ વિભાગમાં દાખલ કરી 14 દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે, તેવુ જણાવાયું હતું.
ડૉ. કમલેશ ઉપાધ્યાયે મેડિકલ કૉલેજના આઇસોલેટેડ વિભાગની મુલાકાત લઇ ફરજ ઉપરના મેડિકલ સ્ટાફને દર્દીઓ માટે રાખવાની તકેદારી અને સારવાર અંગે વિસ્તૃત સમજણ પૂરી પાડી હતી. હાલમાં ગુજરાતમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે, છીંક ખાતી વખતે મોઢું ઢાંકી રાખવું, પૌષ્ટિક આહાર લેવો, પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી, ખૂબ જ પાણી પીવું, નિયમિત કસરત કરી રોગ પ્રતિકારક શક્તિ વધારવી, ભીડભાડવાળી જગ્યાએ ન જવું વગેરે કાળજી રાખવાથી રોગ સામે રક્ષણ મેળવી શકાય છે.