વાપી : ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર કોરોના વાઇરસને લઈને લોકોના આવાગમન પર રોક લગાવી લીધી છે. બંને તરફ બંને રાજ્યની પોલીસ લોકો પર ચાંપતી નજર રાખી રહી છે, ત્યારે મુંબઈથી આવેલા એક દુધના ટેન્કરની તપાસ કરતા ટેન્કરના ખાનામાં 12 લોકો સામાન સાથે છુપાયા હતાં.
પોલીસે ટેન્કર ચાલક અને 12 લોકોના આ નુસખાથી અચરજમાં મુકાઈ હતી અને તેમની પૂછપરછ કરતા તેઓ મુંબઈના કલ્યાણથી રાજસ્થાન જવા નીકળ્યા હોવાનો ખુલાસો કર્યો હતો.
જો કે પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 12 સ્ત્રી-પુરુષો અને બાળકોને પરત મુંબઈ રવાના કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, દુધના ટેન્કર પર નવદુર્ગા ડેરી, ડોમ્બીવલી લખેલું છે. અને આ ટેન્કર રાજસ્થાની માલિકનું હોય કોરોનાના પગલે લોકડાઉન જાહેર કર્યા બાદ વતનમાં જવા માટે આ નુસખો અપનાવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.