- વેસ્ટ પાણીના નિકાલ મામલે GPCBમાં ફરિયાદ
- કાળા રગડા જેવું પાણીના સેમ્પલ લઈ યોગ્ય ખુલાસો કરવાનો આદેશ
- પ્રમુખ પેપર પ્રોડક્ટ્સ સામે ફરિયાદ
વલસાડ : જિલ્લાના સરીગામ GIDCના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પ્રમુખ પેપર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની વેસ્ટ પાણીને નાળાઓ દ્વારા કંપની બહાર છોડતી હોવાની જાણ કરજગામના સરપંચે GPCBમાં કરતા GPCB એ કંપનીમાં જઇ ચેકિંગ કર્યું હતું. કાળા રગડા જેવા પાણીના સેમ્પલ લઈ આ પાણી અંગેનો યોગ્ય ખુલાસો કરવા આદેશ કર્યો છે.
GIDCના ઉદ્યોગો પ્રદુષણ ફેલાવી પર્યાવરણને મોટાપાયે નુકસાની પહોંચાડે
સરીગામ GIDCના ઉદ્યોગો અવારનવાર પ્રદુષણ ફેલાવી પર્યાવરણને મોટાપાયે નુકસાની પહોંચાડે છે. જે અંગે અનેક વખત જાગૃત ગ્રામજનો અને GPCB કાયદાનો પાઠ ભણાવે છે. કરજગામ નજીકની સરીગામ GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પ્રમુખ પેપર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કંપનીનું નકામું પાણી નાળાઓ મારફતે કંપની બહાર છોડે છે. આસપાસના ભૂગર્ભ જળને ખરાબ કરતા હોવાની જાણ કરજગામના સરપંચે અને ગ્રામજનોએ કરી છે.
કાળા રગડા જેવા પાણીનું તળાવ રચાયું
કરજગામના સરપંચે કરેલી ફરિયાદને આધારે GPCB સરીગામની ટીમે સ્થળ પર પહોંચી કાળા રગડા જેવા પાણીના સેમ્પલ લીધા હતાં. અહીં ગંદા પાણીનું જાણે નાનકડું તળાવ હોય તેવો નજારો જોવા મળ્યો હતો. જે અંગે કંપનીના સંચાલકોએ જણાવ્યું હતું કે, આ પાણી તેમની કંપનીનું નથી. પરંતુ, અહીં કંપની પરિસરમાંથી વરસાદી પાણીનું નાળુ પસાર થાય છે. જેનો બીજો છેડો કંપની પરિસર બહાર નહેર નજીક ખુલે છે. જેમાં વર્ષોથી પાણીનો નિકાલ થતો નથી એટલે કંપની સામે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે.
ચાર જેટલા નાળા દ્વારા નીકળી રહ્યું છે ગંદુ પાણી
કંપની સંચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે, GPCB દ્વારા આ અંગે કંપની પરિસરમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. પાણી કંપનીનું છે કે કેમ ? તે અંગે યોગ્ય ખુલાસો આપવાની સૂચના આપી છે. તેમજ જે પાણી સ્ટોર થયેલું છે. તે નાળામાંથી બહાર નીકળે છે. તે ક્લિયર કરાવવા તાકીદ કરી છે. જે અંગે આગામી દિવસોમાં સૂચના મુજબ કામગીરી કરવામાં આવશે.
નહેર વિભાગ અને વરસાદી વહેણ પર દોષનો ટોપલો
ઉલ્લેખનીય છે કે, કંપની સંચાલકો હાલ આ ગંદા રગડા જેવા પાણી મામલે અન્ય કંપની, વરસાદી વહેણ અને નહેર વિભાગ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. પરંતુ આ કંપની સામે આ જ પાણીમાં અસંખ્ય માછલાં મરી જવાને કારણે આ પહેલા પણ ફરિયાદ થઇ ચુકી છે. GIDCમાં અનેક કંપનીઓ ઝીરો ડિસ્ચાર્જ હોવાના સર્ટિફિકેટ મેળવ્યા બાદ ગંદા પાણીનો બહાર નિકાલ કરતી હોવાનું પણ ભૂતકાળમાં બહાર આવ્યું છે.