- બાળ કલ્યાણ સમિતિ અને એકમે નિભાવી જવાબદારી
- વલસાડ જિલ્લામાં પોક્સોના કેસ વધુ નોંધાઇ રહ્યા છે
- 0 થી 18 વર્ષના બાળકોને આપી રહ્યા છે સુરક્ષા
વલસાડઃ દીકરા-દીકરીઓ પર થતા અત્યાચારને રોકવા, ત્યજી દીધેલ નવજાત શિશુની સંભાળ રાખવા દેશમાં ખાસ એકમ કાર્યરત છે. આ વિભાગ એટલે બાળ કલ્યાણ સમિતિ અને બાળ સુરક્ષા એકમ જેમને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ખાસ સત્તા આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં કાર્યરત આ સમિતિ અને એકમેં છેલ્લા 2 વર્ષમાં 283 જેટલા કેસનો નિકાલ કર્યો છે. એ સાથે જ ત્યજી દીધેલ નવજાત શિશુને માતા-પિતાની હૂંફ આપી નવજીવન આપવાનું ઉમદા કાર્ય કર્યું છે.
બાળ સુરક્ષા એકમ અને બાળ કલ્યાણ સમિતિની સરાહનિય કામગીરી
વલસાડ જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. એ ઉપરાંત ઔદ્યોગિક વાસહતથી ધમધમતો અને પરપ્રાંતીય કામદારોને રોજગારી પુરી પાડતો મહત્વનો જિલ્લો છે. જિલ્લામાં બાળકો સાથે થતા અત્યાચારના અનેક કિસ્સા નોંધાતા આવ્યાં છે. જે માટે કાર્યરત બાળ સુરક્ષા એકમ અને બાળ કલ્યાણ સમિતિએ 0થી 18 વર્ષના બાળકોની સુરક્ષાની જવાબદારી ઉપાડી સરાહનિય કામગીરી બજાવી છે.
આ પણ વાંચોઃ Valsad: કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારા 26 બાળકોને દર મહિને રૂપિયા 4000 મળશે
બાળકોના હિતમાં 283 કેસમાં ન્યાય અપાવ્યો
આ અંગે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલ સોલંકીએ ETV ભારત સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે, બાળકોની કાળજી અને રક્ષણની જવાબદારી માટે જુવેનાઈલ જસ્ટીસ એક્ટ હેઠળ આ સમિતિને વિશેષતા સત્તા આપવામાં આવી છે. જે અંતર્ગત વલસાડમાં આદિવાસી વિસ્તારમાં બાળકોના રક્ષણ માટે આ સમિતિ ખૂબ જ કાળજી રાખી રહી છે. વલસાડ જિલ્લામાં પોક્સોના કેસ હોઈ કે, નાની દીકરીઓ પાસે દારૂ વેંચાવવાના કિસ્સા હોય કે પછી એવી દીકરીઓને કૂટણખાનામાં ધકેલી દીધી હોય એ તમામ બદીઓને નાબૂદ કરવામાં મહત્વની સફળતા મેળવી છે. ઓક્ટોબર 2019 થી અત્યાર સુધીમાં બાળ કલ્યાણ સમિતિ દ્વારા 283 જેટલા કેસનો નિકાલ કરી બાળકોનું સતત રક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ભોગ બનનાર દીકરા-દીકરીઓને રક્ષણ પૂરું પાડ્યું
વલસાડ જિલ્લાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલમાં બાલ કલ્યાણ સમિતિના પ્રમુખ રહેલા સોનલ સોલંકી વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં મોટા ભાગના કેસ આદિવાસી વિસ્તારના છે. જેમાં મુખ્યત્વે પોક્સોના કેસ વધુ આવતા હોય છે. નાની દીકરીઓને કુટણખાનામાં ધકેલી દેવી તેમની પાસે દારૂ વેંચાવવો તેમજ કેટલાક કિસ્સાઓમાં તો માતા-પિતા વગરની અન્ય રાજ્યની દીકરીઓને ગુજરાતમાં લાવી વેચી દેવામાં આવતી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. સંસ્થા આવા કિસ્સાઓમાં ભોગ બનનારા દીકરીઓને મદદરૂપ થતી રહી છે.
ત્યજી દીધેલા નવજાત શિશુઓને માતા-પિતાની હૂંફ આપી
CWC દ્વારા નિષ્ઠુર માતા-પિતા દ્વારા ત્યજી દીધેલા નવજાત શિશુઓને નવજીવન આપવામાં પણ મદદરૂપ થતી આવી છે. જેમાં બે દિવસના બાળકોને પણ શિશુગૃહમાં રાખી તેમની સંપૂર્ણ જવાબદારી ઉપાડી તેમના માતા-પિતા બનવાનું સૌભાગ્ય મેળવ્યું છે. તો અનેક પરિવારની દીકરીઓ ઘર છોડીને ભાગી ગઈ હોય તેવી દીકરીઓને ધરાસણાના ચિલ્ડ્રન હોમમાં આશરો આપી શિક્ષણ સહિતની તમામ જવાબદારી નિભાવે છે. સારા પરિવારમાંથી આવતી કેટલીક બાળાઓને સંસ્થાએ આશરો આપી સંપૂર્ણ રક્ષણ પણ પૂરું પાડ્યું છે.
માતા-પિતા અને બાળકો વચ્ચે સેતુ બન્યા
વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ અને બાળ સુરક્ષા એકમના આ સરાહનિય કામમાં વહીવટી તંત્ર અને પોલીસનો પણ સંપૂર્ણ સહકાર મળે છે. બાળકોના હિતમાં અનેક કેસના નિકાલ કર્યા છે. તો સાથે સાથે માતા-પિતા અને બાળકો વચ્ચે ઉભી થતી તણાવભરી પરિસ્થિતિમાં વિશેષ કાઉન્સેલિંગ કરી તે તણાવ દૂર કરવામાં નિમિત બન્યા છે.