વાપીના ગુંજન વિસ્તારમાં સિંધી સમાજના પરિવારો દ્વારા ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવી હતી. ઝૂલેલાલના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે સિંધી સમાજના ભાઈઓ બહેનોએ ઝુલેલાલની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી ભજન કિર્તનનું પણ આયોજન કર્યુ હતું. ઝૂલેલાલ જન્મ જયંતિ નિમિત્તે વાપી, વલસાડ, દમણ અને સેલવાસના સિંધી સમાજના એસોસિયેશનના પ્રમુખ પિંકી ખીવનાનીએ જણાવ્યું હતું કે, ચેટી ચાંદનું મહત્વ સીંધી સમાજ ઉપરાંત અન્ય સમાજમાં પણ છે. આ દિવસે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, ગુડી પડવો પણ મનાવવામાં આવે છે. હિંદુ ધર્મની રક્ષા કાજે વરુણદેવે ઝૂલેલાલ તરીકે અવતાર લીધો હતો. સિંધ પ્રાંતમાં મુસ્લિમ શાસકના ઝૂલમો સામે ત્યાંની પ્રજાને બચાવવા લોકોએ 40 દિવસ સુધી વરુણદેવની પૂજા કરી હતી. જે આરાધના બાદ વરુણદેવે ઝૂલેલાલ તરીકે પ્રગટ થઈ તમામનું રક્ષણ કર્યું હતું. ત્યારથી આ દિવસને ઝૂલેલાલ જન્મ જયંતિ અને ચેટી ચાંદ તરીકે ઉજવવામાં આવે છે.
આ પર્વ સિંધી સમાજના નવા વર્ષનું પણ પર્વ છે. જેથી સિંધ, કચ્છ, અને અન્ય રાજ્યમાં વસતા સિંધી સમાજના લોકો ભવ્ય ઉજવણી કરે છે. આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેમજ મહાપ્રસાદનું આયોજન કરે છે.
વાપીમાં પણ વાપી, વલસાડ, દમણ અને સેલવાસમાં વસતા સિંધી સમાજના એસોસિએશન દ્વારા વાપીના ગુંજન વિસ્તારમાં ઝૂલેલાલની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટય કરી ભજન કીર્તન સાથે ચેટીચંડની ઉજવણી કઈ હતી. જેમાં તમામ ધર્મના અંદાજીત 2 હજાર લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.