- વલસાડ જિલ્લામાં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં બમણા કેસ
- વલસાડ અને ઉમરગામ તાલુકામાં કોરોનાનો તરખાટ
- કપરાડા- ધરમપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસ વધ્યા
વલસાડ : જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાએ ગામડાઓમાં તરખાટ મચાવ્યો છે. મોટાભાગના કેસ હાલ ગ્રામ્ય વિસ્તારમાંથી આવી રહ્યા છે. જે અંગે તંત્રએ જે વ્યવસ્થા કરી છે, તે માત્ર કાગળ પર જ હોય એ નક્કર વાસ્તવિકતા છે. તો એ સાથે તબીબોના મતે બીજા અનેક એવા કારણો છે કે, જેના કારણે ગામડાઓમાં કોરોનાના કેસ વધ્યા છે.
આ પણ વાંચો : ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 159 કેસ નોંધાયા
1,118 પોઝિટિવ કેસમાંથી 728 કેટલા પોઝિટિવ કેસ ગ્રામ્ય વિસ્તારના
કોરોનાની બીજી લહેરે શહેરો કરતા ગામડાઓમાં વધુ સંક્રમણ ફેલાવ્યું છે. વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 1લી મેથી 10મી મે સુધીના 10 દિવસમાં કુલ 1,118 પોઝિટિવ કેસમાંથી 728 કેટલા પોઝિટિવ કેસ ગ્રામ્ય વિસ્તારના છે. જેનો સરેરાશ રેશિયો 67 ટકા જેટલો ઊંચો છે. ગ્રામ્ય વિસ્તારમાં વધેલા કોરોનાના કેસ અંગે વાપીના જનરલ ફિઝિશયન ડૉ. વિશાલ પટેલે Etv Bharatને વિગતો આપી હતી કે, કોવિડની હાલમાં જે સેકન્ડ વેવ ચાલી રહી છે. તે સંપૂર્ણ ભારતમાં ફેલાઈ છે. જેમાં આ વર્ષે શહેરી વિસ્તારને બદલે ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ વધુ પ્રસર્યો છે. જે અંગે નોંધાતા દર્દીઓના આધારે કેટલાક મહત્વના તારણ કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો : પાટણ જિલ્લામાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા, 202 દર્દીઓ સાજા થયા
કોરોનાના લક્ષણો જણાય કે તરત નિદાન કરવો
ડૉક્ટર વિશાલ પટેલે આ અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોરોના અંગે સામાન્ય સંજોગોમાં લોકોની તાવ, ખાંસી અને ગળામાં દુખાવાની ફરિયાદો મુખ્ય લક્ષણો માનવામાં આવે છે, પરંતુ તે સાથે અતિશય કમજોરી, પરસેવો થવો, ભૂખ નહિ લાગવી, સ્વાદ સુગંધની પરખ નહિ થવી જેવા અન્ય લક્ષણો પણ છે. એટલે જ્યારે આવા લક્ષણો બે દિવસથી વધુ સમય જણાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે જઈ તેનું નિદાન કરાવવું જોઈએ.
વેક્સિન લેવાથી મૃત્યુ થશે એવો ભય છે
ગ્રામ્ય વિસ્તારની વસ્તીને પોતાના સકંજામાં લેનારો કોરોના ગ્રામ્ય વિસ્તારમાં ફેલાઈ રહ્યો છે. તેમાં જે મહત્વના કારણો સામે આવ્યા છે, એમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ વખતે થતાં મેળાવડા છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો વેક્સિન લેવા માટે પણ આગળ આવતા નથી. વેક્સિન લેવાથી તાવ આવશે અને બીમાર પડશે અને મોતને ભેટી જશે તેવી માન્યતા ઘર કરી ગઈ છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. વેક્સિન લેવાથી સામાન્ય તાવ આવી શકે છે, તેની કોઈ ગંભીર અસર જણાતી નથી. - ડૉ. વિશાલ પટેલ
ગામલોકો શરૂઆતના દિવસો દોરા- ધાગામાં વેડફી નાખે છે
વધુમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે યુવાનો વધુ કોરોનાનો ભોગ બની રહ્યા છે. આવા દર્દીઓને ઓક્સિજન, વેન્ટિલેટરની જરૂરિયાત વધુ પ્રમાણમાં વર્તાતી હોય છે. એટલે દરેક નાગરિકને જ્યારે પણ શરૂઆતી લક્ષણો જણાય કે, તરત જ રજિસ્ટર્ડ તબીબ પાસે તેનું નિદાન કરવું આવશ્યક છે. આ લક્ષણો સામાન્ય હોઈ શકે છે અને કોઈ અન્ય રોગના પણ હોઈ શકે છે.
લોકો અંધશ્રધ્ધામાં દોરવાઈને પહેલા ભગત- ભૂવા પાસે જાય છે
ગ્રામીણ વિસ્તારમાં એ પણ ધ્યાને આવ્યું છે કે, ગામડાઓમાં જે વ્યક્તિ બીમાર પડે તે શરૂઆતના બેથી ત્રણ દિવસ ઘરગથ્થુ ઉપચાર કરે છે. પછી પાડોશીઓ અને સગાસંબંધીઓની સલાહ મુજબ ઉપચાર કરે છે. કેટલાક વળી એમાં પણ અંધશ્રધ્ધામાં દોરવાઈને ભગત- ભૂવા પાસે જાય છે. લેભાગુ ડૉક્ટરો પાસે જાય છે. એટલે કોરોનાની સારવારના જે મહત્વના છથી સાત દિવસો કહેવાય તે વેડફી નાખે છે અને પછી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય છે. જે દરમિયાન ઓક્સિજનની અછત ઊભી થાય છે. વેન્ટિલેટર સારવાર આપવી પડે છે. એટલે દરેકને અપીલ છે કે, હાલના પિરિયડમાં કોરોનાના લક્ષણો માટે જાગૃત રહી શરૂઆતમાં જ તેનું નિદાન કરાવવું હિતાવહ છે.- ડૉ. વિશાલ પટેલ
10 દિવસમાં ગ્રામ્ય વિસ્તારમાં 728 કોરોના પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં વલસાડ, પારડી, વાપી, ઉમરગામ અને ધરમપુર નગરપાલિકા સહિત શહેરી વિસ્તાર છે. આ શહેરી વિસ્તારમાં 1લી મેથી 10મી મે સુધીમાં 390 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 6 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આ જ 10 દિવસમાં 728 કેસ નોંધાયા છે. જે બતાવે છે કે વલસાડ જિલ્લામાં શહેરી વિસ્તાર કરતા કોરોનાએ આ વર્ષે ગામડાઓ વધુ ભાંગ્યા છે. આ દિવસમાં જિલ્લામાં આરોગ્ય વિભાગની અખબારી યાદી મુજબ 77 દર્દીઓના મોત થયા છે. જો આ અંગે વહીવટી તંત્રની વાત કરીએ તો વહીવટી તંત્રની અને આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. જેમાં વહીવટી તંત્રએ કાગળ પર તો કામગીરી બતાવી છે, પરંતુ સર્વેલન્સ, વેક્સિનેશન જેવી કામગીરી ગ્રામ્ય વિસ્તારમાં કરી જ નથી.