હવામાન વિભાગની આગાહી મુજબ વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં ભારે તબાહી મચાવી છે. વલસાડ જિલ્લાના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તેમ છતા પણ લોકો જીવના જોખમે વરસાદી પાણીમાંથી પોતાનું વાહન લઈ પસાર થાય છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે એક ખાનગી કારમાં 12 જેટલા લોકો સવાર હોવા છતા નીચાણવાળા બ્રિજ ઉપરથી કાર પસાર કરવા જતા કાર અધવચ્ચે અટકી ગઇ હતી. સ્થાનિકોએ આ બાબતની જાણકારી ધરમપુર ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસ સ્થળ પર પહોંચીને સ્થાનિકોની મદદથી વડે કારમાંથી 12 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામા આવ્યું હતું.
ખનકીની સતત વધી રહેલી પાણીની સપાટી તેમજ તીવ્ર વહેણવાળા પાણીમાં જીવના જોખમે ફાયર વિભાગની ટીમે દોરડું બાંધી 12 જેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરી આબાદ રીતે બચાવી લીધા હતા. જેને લઇને સ્થાનિકોએ ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી તો આ તરફ ફાયર વિભાગની કામગીરીને જિલ્લા કલેક્ટરે પણ બીરદાવી હતી.