સોમવારે રાત્રે 09:40 કલાક આસપાસ મુંબઈથી રાજકોટ જતી બસ વાપી નજીકના બગવાડા ટોલ નાકા પાસે પહોંચી હતી. બસ નીચે તપાસ કરતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. એટલે તાત્કાલિક તમામ પેસેન્જરોને બસની બહાર નીકળવા જણાવી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
પરંતુ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસમાં સવાર કેટલાક મુસાફરોનો સરસામાન બહાર કાઢે તે પહેલાં બળીને ખાખ થયો હતો. જેમાં મુંબઈથી રાજકોટ જતા જામનગરના લક્ષ્મણભાઇ ભટ્ટના થેલામાં રહેલા 50 હજાર અને નિરુબેન નામની મહિલાના થેલામાં રહેલા 30 હજાર રોકડ રૂપિયા અને હેલ્મેટના 3 કાર્ટૂન બળીને ખાખ થતા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
બસમાં આગ લાગી ત્યારે અહીંના સ્થાનિક યુવક પ્રકાશ ચાવડાએ તેનું વીડિયો રેકોર્ડિંગ કરી વાયરલ કરતા આ ઘટના આગની ઝડપે સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી. આ ઘટના અંગે બગવાડા ટોલ પ્લાઝાના ડેપ્યુટી મેનેજર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, બસના ડીઝલ પંપની બાજુમાં આગ લાગી હતી. આગની ઘટના દરમિયાન તમામ પેસેન્જરોને સરસામાન સાથે સલામત રીતે બસની બહાર ઉતારી લેવામાં આવ્યા હતા. આગને બુઝાવવા માટે ટોલ પ્લાઝા પર બુથમાં રહેલા ફાયર એક્સટિંગ્વિશર દ્વારા અને દરેક બુથ પર રાખેલી પાણીની 20 લિટરની બોટલો દ્વારા આગને બુઝાવવાની કોશિશ કરી હતી. આ સાથે જ વાપી જી.આઇ.ડી.સી ફાયર અને પારડી ફાયરને જાણ કરી હતી. ફાયર પણ 20 થી 22 મિનિટમાં ઘટનાસ્થળે આવી ગઈ હતી. બસની ડેકીમાંથી મોટાભાગનો સામાન બહાર કાઢી લેવામાં આવ્યો હતો. માત્ર બે હેલ્મેટના બોક્સ જ અંદર બળીને ખાખ થયા હતાં.
કેટલાક મુસાફરોએ તેમના પૈસા અને સમાન બળી ગયો હોવાની વાત કહી રહ્યા હતા, પરંતુ કોઈપણ મુસાફરના પૈસા કે સરસામાન આ ઘટનામાં બળ્યો નથી. આ અફવા હતી અને તદ્દન ખોટી વાત છે. તેવું શૈલેષ પટેલે જણાવ્યું હતું અને વધુમાં કહ્યું કે, બગવાડાના IRB ટોલ પ્લાઝા ખાતે ફાયર સેફટીની સુવિધા અંતર્ગત એક્સટિંગ્વિશર રાખવામાં આવ્યા છે અને પોલીસ ફાયરના નંબરો પણ દરેક બુથ પર આપવામાં આવેલા છે. જેથી આવી કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક તેમાં ફાયર અને પોલીસને બોલાવી શકાય. આ ઘટનામાં પણ તાત્કાલિક ફાયર અને પોલીસને બોલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને તમામનો સહકાર મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સવાલ એ ઊભો થાય છે કે મુસાફરોએ શા માટે પોતાનો સરસામાન બળી ગયો છે. તેવા આક્ષેપ કર્યા અને હોબાળો મચાવ્યો હતો? તો બીજી તરફ ટોલ પ્લાઝા પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે એક સાથે 14 જેટલા એક્સટિંગ્વિશર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને આગ છમકલા રૂપે જ હતી તો કેમ તે બુઝાય નહીં શું, જે એક્સટિંગ્વિશરથી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. તે તમામ એક્સપાયરી ડેટના હતા. શું જે 20 લિટરની 14 પાણીની બોટલ મંગાવીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તે હકીકતે બધી જ ખાલી હતી? આવા અનેક સવાલો હાલ આ આગની ઘટના પાછળ ઉઠી રહ્યા છે. પરંતુ સમગ્ર ઘટનામાં એક વાત ચોક્કસ સાબિત થઈ છે કે, ક્યાંક મુસાફરોએ પોતાનો રોટલો શેકવાની કોશિશ કરી હતી તો ક્યાંક ટોલ પ્લાઝા પોતાની બેદરકારી છુપાવવા પ્રયાસો કરી રહ્યું છે.