વલસાડ: વાપી નગરપાલિકા સભાગૃહમાં શનિવારે સામાન્ય સભાનું (General meeting in Vapi municipality) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2021/22નું સુધારેલું બજેટ અને વર્ષ 2022/23નું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2022/23 માટેનું અંદાજિત 162 કરોડનું બજેટ કારોબારી ચેરમેન મિતેષ દેસાઈએ રજૂ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, 34.68 કરોડની પુરાંતવાળા આ બજેટમાં 127 કરોડના ખર્ચનું આયોજન છે. સામાન્ય સભામાં પ્રમુખ કાશ્મીરા શાહે વિકાસના વિવિધ કામ અંગે પાલિકા સભ્યોને જાણકારી આપી તમામ પાયાના પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી.
વાપી પાલિકા સામાન્ય સભામાં 162 કરોડના બજેટને બહાલી અપાઈ
વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે આવનારા દિવસોમાં રીંગ રોડનું કામ પૂર્ણ કરવા, જમીન સંપાદન કરવા સાથે સફાઈ કર્મીઓને કાયમી કરવા, સિટી બસ સેવાના નવા રૂટ તૈયાર કરવા અંગે વિગતો આપી હતી. તેમજ આગામી દિવસોમાં ડુંગરા ખાતે નવો ફિલ્ટ્રેશન પ્લાન્ટ સ્થાપવો, શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા નવા રૂટ તૈયાર કરશે. પાર્કિંગની સુવિધા ઉપલબ્દ્ધ કરશે. તેમજ સફાઈને પ્રાધાન્ય આપવામાં આવશે તેવું જણાવી ગત સામાન્ય સભામાં રજૂ થયેલાં કામોને સર્વાનુમત્તે બહાલી આપી હતી.
આ પણ વાંચો: ગુજરાત વેપારી મહામંડળને બજેટની આશા-અપેક્ષા, MSME માટે અલગ ફંડની માંગણી
ડુંગરા ખાતે 50 MLDનો નવો ફિલ્ટ્રેશન પ્લાન્ટ ઉભો કરાશે
વર્ષ 2022/23ના અંદાજિત બજેટ (Vapi municipality Budget 2022) અંગે કારોબારી ચેરમેન મિતેષ દેસાઈએ જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં 1,62,34,86,694 રૂપિયાનું અંદાજિત બજેટ (Budget of 162 crore Rupees) રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2022-23ના અંદાજિત બજેટની બંધ સિલક 34,68,96,834 છે. જ્યારે ઉઘડતી સિલક 58,70,61,292 રૂપિયા છે. અંદાજપત્રની અંદાજિત આવક 1,03,64,25,402 છે. સામાન્ય સભામાં રજૂ કરેલા બજેટમાં આગામી દિવસોમાં શહેરમાં ઇસ્ટ- વેસ્ટને જોડતા રેલવે બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજના કામ દરમિયાન અન્ય ડાયવર્ટ રૂટ તૈયાર કરવામાં આવશે. ડુંગરા ખાતે 50 MLDનો નવો પાણીનો પ્લાન્ટ ઉભો કરવામાં આવશે અને જે ગત ટર્મના પેન્ડિંગ કામ છે તેને વહેલી તકે પુરા કરવામાં આવશે.
પક્ષ- વિપક્ષના સભ્યોએ ગત સભાના કામને બહાલી આપી
ઉલ્લેખનીય છે કે, સામાન્ય સભામાં વિપક્ષી નેતા તરીકે ખંડુભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. વિપક્ષી નેતા તરીકે ખંડુભાઈએ પણ સફાઈ, સ્ટ્રીટલાઈટ, પાણી, ગટર, ટ્રાફિક જેવી સમસ્યાઓ અંગે પ્રમુખનું ધ્યાન દોરી ગત સામાન્ય સભાના કામોને બહાલી આપી હતી. તેમજ અંદાજિત બજેટમાંથી થનારા વિકાસના કામો અંગે જરૂરી સૂચનો કરી વિકાસના કામમાં વિપક્ષનો પણ સહયોગ રહેશે તેવી ખાતરી આપી હતી. પાલિકાની સામાન્ય સભામાં કેટલાક સભ્યો ગેરહાજર રહ્યા હોવાથી હાજર પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વોર્ડ સભ્યોની ઉપસ્થિતિમાં પહેલી વખત રિપીટ થતા બજેટને બદલે નવી વિચારધારા સાથે વિકાસના કામોને ધ્યાને રાખી બજેટ રજૂ કરાયું હતું. તેમજ અન્ય કામોની બહાલી સાથે સભા પૂર્ણ કરી હતી.
આ પણ વાંચો: Pre Budget 2022 : અલગ હીરા ઉદ્યોગ મંત્રાલય સહિતની મહત્ત્વની માગ મૂકતો અમરેલી હીરા ઉદ્યોગ
વર્ષ 2018/19થી વર્ષ 2022/23 સુધીના બજેટની વિગત
પાલિકાના પાછલાં વર્ષોના બજેટની વાત કરીએ તો વર્ષ 2018/19ના અંદાજપત્રની અંદાજીત આવક 63,05,32,369 રૂપિયા મળી કુલ 1,22,95,67,205 રૂપિયાનું બજેટ રજૂ કરાયું હતું. જેમાંથી 56,34,84,494 રૂપિયાનો અંદાજીત ખર્ચ થયા બાદ 2018/19ના અંદાજપત્ર મુજબ 66,60,82,711 રૂપિયા બંધ સિલક રહી હતી. જ્યારે વર્ષ 2019/20ની અંદાજપત્રની ઉઘડતી સિલક 81,08,87,519 રૂપિયા સાથે અંદાજીત આવક 75,94,32,313 રૂપિયા મળી કુલ 1,56,32,85,398 રૂપિયા રહી હતી. વર્ષ 2019/20ના બજેટની અંદાજિત આવક 71,94,32,313 રૂપિયા હતી. બંધ સિલક 84,38,53,085 રૂપિયા સાથે વર્ષ 2020/21ના બજેટની અંદાજિત આવક 81,77,80,216 મળી કુલ 1,66,16,33,301નું અંદાજિત બજેટ રજૂ કરાયું હતું. જેમાં 1,27,75,53,321 રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 38,40,79980 રૂપિયા બંધ સિલક રહેવાનો અંદાજ રજૂ કરાયો હતો. જ્યારે 2021/22માં સુધારેલાં બજેટ મુજબ ઉઘડતી સીલક 93,83,13,000 રૂપિયા, અંદાજિત આવક 66,37,07,721 રૂપિયા મળી કુલ 1,60,20,20,721નું બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2021-22માં 1,01,49,59,429 રૂપિયાનો અંદાજિત ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. બંધ સિલક 58,70,61,292 રૂપિયા રહી હતી. આ વર્ષે 2022/23નું બજેટ માત્ર 2.14 કરોડના વધારા સાથે 1,62,34,86,694 રૂપિયાનું અંદાજવામાં આવ્યું હતું.