રાફેલ વિમાન પર પુનઃવિચાર કરવા અંગેની વિવિધ અરજીઓ ફગાવી દેવામાં આવી છે. રાફેલ સોદાની પ્રક્રિયા પારદર્શક રીતે થયેલ છે. તેવો નિર્ણય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પહેલા પણ ડિસેમ્બર 2018માં આપવામાં આવ્યો હતો. આ વિષય અંગે ન્યાયાલય દ્વારા પહેલા પણ કોંગ્રેસને ફટકાર લગાવવામાં આવી હતી. 14 નવેમ્બર 2019ના રોજ ફરીથી સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયથી કોંગ્રેસ દ્વારા જુઠા અને મનઘડત આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાબિત થયું છે.
દેશની રક્ષા સાથે જોડાયેલા આ ગંભીર વિષય પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પૂર્વે અને લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સતત આક્ષેપો કરી જનતાને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. તે તમામ બાબતે રાહુલ ગાંધી માફી માગે તે અંગે ભાજપ દ્વારા દરેક સ્થળે ધરણા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, ત્યારે વલસાડ ભાજપ દ્વારા પણ ગાંધી લાઇબ્રેરી ખાતે વિરોધાત્મક ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધી માફી માગે જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા સાંસદ ડૉ. કે સી પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં યોજાયેલા આ કાર્યક્રમમાં bjp કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી. માત્ર સૂત્રોચ્ચાર બોલાવીને કાર્યક્રમમાં ગણતરીના લોકો જોડાયેલા જોવા મળ્યા હતાં.