વલસાડ: 181 વિધાનસભા બેઠક ઉપર આજે કપરાડા કાર્યાલય ખાતે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ વન પર્યાવરણ રાજ્ય પ્રધાન રમણલાલ પાટકર ધારાસભ્ય ભરત પટેલ અરવિંદ પટેલની હાજરીમાં આશીર્વાદ લીધા બાદ જીતુભાઇ ચૌધરીએ કપરાડા મામલતદાર કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
કોવિડ 19ના તમામ નિયમોનું પાલન કરતાની સાથે જ મામલતદાર કચેરીમાં તેમની સાથે મધુભાઈ રાઉત જોવા મળ્યા હતા. તો ફોર્મ ભર્યા બાદ તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, તેઓ વ્યક્તિગત રીતે દરેક મતદાર સાથે સંબંધ ધરાવે છે. જેથી તમને વિશ્વાસ છે કે, તેઓ જંગી લીડ લઈ ચૂંટણીમાં જીત મેળવશે.
મહત્વનું છે કે, કપરાડા 181 બેઠક ઉપર 2,45000 જેટલા મતદારો છે. જેમાં સ્ત્રી મતદારો 1,21,213 છે. જ્યારે પુરુષ મતદારની સંખ્યા 1,24,519 છે. કપરાડા વિધાનસભા બેઠકમાં કુલ 164 ગામોનો સમાવેશ થાય છે. જેમાં કપરાડાના 130,પારડી તાલુકાના 8 અને વાપી તાલુકાના 16 ગામો સામેલ છે.