ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માંડા ગામ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકાના ખેડૂતો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ, ઉમરગામ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. તેમજ ખેડૂતો તરફથી મળેલા સૂચનો સાંભળ્યા હતા.
ઔદ્યોગિકરણ ને કારણે ખેડૂતોમાં ચિંતા: ભારતીય કિસાન સંઘ વલસાડ જિલ્લાના પ્રમુખ શશીકાંત પટેલ અને અન્ય હોદ્દેદારો દ્વારા જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ઉમરગામ તાલુકાના માંડા ગામે ખેડૂત મિટિંગનું આયોજન કરી ચર્ચા કરી હતી. આ બેઠક અંગે વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શશીકાંત પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રાણ પ્રશ્નો એવા પ્રમોલેગેશન, 7/12ના ઉતારામાં ઝાડની નોંધણી નથી થતી તે બાબતે તેમજ કોમ્પ્યુટરરાઈઝ રેકોર્ડમાં રહેલી ક્ષતિઓ, કેટલાક રેકોર્ડ હજુ પણ કોમ્પ્યુટરરાઈઝ થયા નથી, GEB અને જેટકો દ્વારા પાથરવામાં આવતી હાઇટેનશન લાઈનની સામે યોગ્ય વળતર આપવા, ઉદ્યોગોને કારણે જમીન અને પાણી પ્રદૂષિત થયા હોવા છતાં ઉદ્યોગો સામે સરકાર કોઈ પગલા ભરતી નથી તેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
વર્ષો જુના પ્રશ્નોથી ખેડૂતો પરેશાન: માંડા ખાતે આયોજિત ભારતીય કિસાન સંઘની આ બેઠક જિલ્લા પ્રમુખ ઉપરાંત ઉમરગામ તાલુકા પ્રમુખ હિમ્મતભાઈ માછીની આગેવાનીમાં યોજાઈ હતી. જેમાં ખેડુતની લોન માફ કરવા બાબત, ખેતીની જમીનમાં ટુકડા કાયદા બાબત, વર્ષ 2008 દરમિયાન જમીન રેકર્ડના કોમ્પ્યુટરકરણ કરવા દરમિયાન રહી ગયેલ ભુલો સુધારવા બાબત, વર્ષ 2018 માં થએલ સેટેલાઈટ જમીન રી-સર્વે માં થયેલ ભુલોની સુધારણા બાબત, વારસાઈ પ્રક્રિયા બાબતે, બહુવર્ષિય ઝાડોને કાયમ માટે 12-નંબરમાં (7/12) માં રાખવા બાબત, ખેતીની જમીન (વાડી) માથી પસાર થતી તમામ વિજલાઈનના વાયરો કોટેડ નાખવા કે કેબલ બીછાવવા બાબત, જેટકો તથા પાવરગ્રીડ દ્વારા અપાતા હાઈટેન્સન લાઈનના વળતર બાબત, ખેડુતોના કોઈ પણ કેસ દફતરે કરવા અગાઉ ખેડુતને તેની રજુઆત કરવાની તક આવ્યા બાદજ દફતરે કરવા કે પેંડીગ રાખવા, સરકારી અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતા કેસ દરમિયાન બધા ખેડુતોને એક સાંથે ન બોલાવતા નિશ્ચિત સમયેજ બોલાવવા જેથી ખેડુતોનો સમય બચે તે બાબતે, ખેત-જમીનની જંત્રીના દર વધારવા બાબત જેવા તમામ વર્ષોજુના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ખેડૂતોના પ્રશ્નો અંગે આવેદનપત્ર આપી રજુઆત કરશે: આ ખેડૂત મિટિંગમાં તમામ ખેડૂતોએએ એકબીજાના સૂચનો રજૂ કર્યા હતાં. આગેવાનોએ આગામી દિવસમાં ક્યાં કાર્યક્રમો કરી સરકાર સામે રજુઆત કરવાની છે. તે અંગે ચર્ચા જણાવ્યું હતું કે આ તમામ પ્રશ્નો અંગે આગામી દિવસોમાં કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે અને તે બાદ જરૂર પડ્યે આંદોલન ના માર્ગે પણ જવું પડશે તો ખેડૂતો સંપૂર્ણ સાથ સહકાર આપશે.