વલસાડઃ કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ લાગુ કરવામાં આવેલા CAAને પગલે દેશમાં કેટલીક જગ્યાએ સમર્થન તો કેટલીક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. આ CAAનો વિરોધ બાબતે બુધવારે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધનુ એલાન આપવામાં આવ્યું હતું.
ભારત બંધને અનુલક્ષીને વલસાડ શહેરમાં મુસ્લીમ બિરાદરો દ્વારા સંચાલિત મોટાભાગની દુકાનો બંધ રહી હતી. તેઓએ સ્વેચ્છાએ બંધ પાણી CAAનો વિરોધ કરવા તેમણે પોતાના ધંધા-રોજગાર એક દિવસ પૂરતા બંધ રાખ્યા હોવાનું પણ જણાવ્યું હતું. જો કે, આ સમગ્ર બાબતે કોઈ શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ચાંપતી નજર રાખી સતત પેટ્રોલિંગ કરતી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં CAA લાગુ થતાની સાથે જ હિન્દુ સંગઠનો અને કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા તેને આવકાર આપી સમર્થન આપવામાં આવી રહ્યું છે. તો કેટલાક મુસ્લીમ સંગઠનો દ્વારા કેટલાક રાજ્યોમાં CAAનો વિરોધ થઈ રહ્યો છે. બુધવારે વલસાડમાં ધરમપુર, નાનાપોન્ડા અને પારડી જેવા અનેક વિસ્તારમાં મુસ્લીમ બિરાદરોએ પોતાની દુકાનો બંધ રાખી ભારત બંધમાં જોડાયા હતા.