વલસાડઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર 3 નવેમ્બરે ખરાખરીની લડાઈ લડાશે. આ 8 બેઠકો પર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર હોવાથી કોંગ્રેસે છેલ્લી ઘડીએ કપરાડા બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે.
વલસાડની કપરાડા બેઠક પર પેટા ચૂંટણી માટે કોંગ્રેસે બાબુ વરઠાને ટિકિટ આપી છે. બાબુ વરઠા ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થયા છે. કોંગ્રેસે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી કપરાડા બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર ન કરતા લોકોમાં તે જાણવા માટે ખૂબ જ ઉત્સુકતા હતી કે, કપરાડા બેઠક પર કોંગ્રેસનું નેતૃત્વ કોણ કરશે. જોકે કોંગ્રેસના ત્રણ ઉમેદવારોની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. ત્યારે આવા સમયે કોંગ્રેસે બુધવારે મોડી રાત્રે બાબુ રાઠવાના નામ પર મહોર મારી હતી. હવે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે અસ્તિત્વની લડાઈ લડાશે. એવું જણાઈ રહ્યું છે કે, ચૂંટણીમાં જાતીય સમીકરણ મહત્ત્વનો ભાગ ભજવે એ નક્કી છે ત્યારે બાબુ રાઠવાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભરી દીધું છે.
બાબુ વરઠાએ મોટા પોઢા ગામના સરપંચ પદથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેઓ એનએસયુઆઈના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જ્યારે હાલમાં તેઓ વારલી સમાજના પ્રમુખ છે. તેઓ સિવિલ એન્જિનિયર છે. તેમણે ભાજપમાંથી છેડો ફાડીને કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસે કપરાડા બેઠક પર બાબુ વરઠાને બેઠક આપી છે. જોકે બાબુ વરઠા પક્ષ પલટું છે. તો બીજી તરફ ભાજપે પણ કપરાડા બેઠક માટે પક્ષ પલટુંને જ ટિકિટ આપી છે. હાલમાં બંને ઉમેદવારો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તેમ જ પોતાની જ જીત થશે તેવું બંને પક્ષ તરફથી હુંકાર સંભળાઈ રહ્યો છે.