વલસાડઃ કોરોનાએ સમગ્ર દુનિયાના દેશોને પોતાના ઝપેટમાં લીધા છે અને જેને કારણે અનેક લોકોએ મોતના મુખમાં જવું પડયું છે. ત્યારે સમગ્ર ભારતમાં પણ આ રોગથી લોકો ઝઝુમી રહ્યા છે. પરંતુ કોરોના જેવી બીમારી સામે રક્ષણ મેળવવા અનેક ઉપાય હાથ ધરવામાં આવી રહ્યાં છે. કોઈ સેનિટાઈઝર કોઈ માસ્ક તો કોઈ ઉકાળાનું વિતરણ કરી રહ્યાં છે.
કપરાડામાં આયુર્વેદિક વિભાગ દ્વારા વિવિધ ગોળીઓ તેમજ ઉકાળો વિતરણ કરવામાં આવે છે તેને અનુલક્ષીને આજે કપરાડા તાલુકાના નાનાપોંઢા તેમ જ કપરાડા ખાતે વલસાડ જિલ્લા આયુર્વેદ વિભાગ જોગવેલ આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી સ્વામી વિવેકાનંદ ગ્રુપ દ્વારા નાનાપુરા બજારમાં જાહેર સ્થળે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે કપરાડાના મુખ્ય બજારમાં પણ આજે મોટી સંખ્યામાં આવતા જતા લોકો માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેથી કરીને હાલમાં ચાલી રહેલી કોરોનાની બિમારી સામે લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય. વલસાડ જિલ્લામાં આયુર્વેદ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં આયુર્વેદિક દવાઓનું પણ વિતરણ કરાયું છે. તો સાથે સાથે હાલ કપરાડા જેવા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ આવતાની સાથે હાલ ગ્રામીણ કક્ષાએ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 59 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને અનુલક્ષીને વલસાડ જિલ્લા આયુર્વેદ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને વિવિધ ટીમો બનાવીને અનેક જગ્યાઓ ઉપર મેડિકલ સર્વે તેમજ આયુર્વેદ વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાઓ અને ઉકાળાનું વિતરણ કરી રહ્યું છે.