- વાપીમાં પત્રકાર સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
- સાપ્તાહિક ન્યૂઝપેપરનો એડિટર સામે નોંધાઈ ફરિયાદ
- અગાઉ રૂ. 5 લાખ ખંડણી માગતા હોવાની પણ ફરિયાદ નોંધાઈ હતી
વાપીઃ વલસાડ જિલ્લાના સાપ્તાહિક ન્યૂઝપેપરના એડિટર કમલેશ શાહ વિરુદ્ધ ડુંગરા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, પત્રકાર પર આ પહેલા અલગ અલગ 3 ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પત્રકાર વિરૂદ્ધ રૂ. 50 લાખ, રૂ. 5 લાખની ખંડણી માગવાની ફરિયાદ સાથેના આક્ષેપો થયા છે. આમાં પોલીસ ધરપકડ સુધીની નોબત આવી ચૂકી છે.
નદીમાં બ્લાસ્ટ કરતા હોવાથી સ્થાનિકો પરેશાન થતા હોવાનો એડિટરે દાવો કર્યો હતો
વાપીના ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદી દિનેશ માગીલાલ મેઘવાલે ફરિયાદ લખાવી હતી કે, તે વાપી નજીક અંબાચ ગામમાં આવેલી કોલક નદીની લીઝ ઉપર પથ્થર કાઢવાની કામગીરી કરે છે. ત્યારે ગત 17મી જાન્યુઆરી વલસાડના સાપ્તાહિક ન્યૂઝપેપરના એડિટર કમલેશ શોભાલાલ શાહ સાઈટ ઉપર આવી તમે નદીમાં બ્લાસ્ટ કરતા હોવાથી ગામના લોકો હેરાન થાય છે તેમ કહી કામ બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.
નદી પાસે કામ કરી રહેલા વ્યક્તિને અપમાનિત કરી અપશબ્દો બોલ્યા હોવાનો એડિટર પર આક્ષેપ
આ સમયે દિનેશ મેઘવાલે અન્ય ઉપસ્થિત મહેન્દ્ર બિશ્નોઈ સહિત 5 જેટલા લોકોની હાજરીમાં લીઝનું કામ કાયદેસરનું હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં કમલેશ શાહે દીનેશને અપમાનિત કરી જાતિ અપમાનિત અપશબ્દો બોલી નદીમાં નાખી દેવાની ધમકી આપી હતી. આ ફરિયાદ આધારે ડુંગરા પોલીસે ગુનો નોંધી કમલેશ શાહની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
સાપ્તાહિત ન્યૂઝપેપરના એડિટર કમલેશ શાહ સામે એક જ સપ્તાહમાં 4 ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, સાપ્તાહિક ન્યૂઝપેપરના એડિટર કમલેશ શાહ વિરૂદ્ધ છેલ્લા એક સપ્તાહમાં 4થી ફરિયાદ નોંધાઇ છે. આ પહેલા રૂ. 50 લાખની રકમની માંગણી સંદર્ભે બાલાજી કન્સ્ટ્રક્શનના મહેન્દ્ર બિશ્નોઈએ ડુંગરામાં જ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બાદ વલસાડ સિટી પોલીસ મથકમાં અલગ અલગ 2 બિલ્ડરોએ પણ રૂ. 5 લાખની માગણીની ફરિયાદ નોંધાવી ચૂક્યા છે. એક જ પત્રકાર પર અલગ અલગ લોકો દ્વારા ફરિયાદ નોંધવામાં આવી રહી હોય વલસાડ જિલ્લાના પત્રકાર જગતમાં ખળભળાટ મચી ગયો છે. સાથે જ આ સમગ્ર ફરિયાદો રાગદ્વેષ રાખી કરાઈ રહી હોવાનો આક્રોશ પણ વ્યાપ્યો છે.