વલસાડ નગર પાલિકાના વોર્ડ નંબર 11માં આશરે રુપિયા 70 લાખના ખર્ચે ડ્રેનેજ પંપિંગ સ્ટેશન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. નગર પાલિકાએ વોર્ડ નંબર 11માં આવેલા બરમદેવ મંદિર નજીક આ કામગીરી માટે સર્વે હાથ ધર્યો છે. જેને લઈને અહીંના સ્થાનિકોએ ધાર્મિક સ્થળની બાજુમાં બની રહેલા ડ્રેનેજ પંપિંગ સ્ટેશનનો વિરોધ દર્શાવવા વિરોધ રેલીનું આયોજન કર્યું હતું. વોર્ડ નંબર 11નાં 100થી વધુ લોકો નગર પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને નગર પાલિકાના વિરોધ પક્ષના કોર્પોરેટર સાથે મળી તેમણે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ આવેદનપત્ર આપી ડ્રેનેજ પંપિંગ સ્ટેશન ધાર્મિક સ્થળ નજીક નહીં બનાવવા રજૂઆત કરી હતી.
જોકે વહીવટી મંજૂરી મળી જવાને કારણે આ કામ અટકી શકે નહીં અને જો આ કામ અટકાવવું હોય તો પંપિંગ સ્ટેશન બનાવવા માટે અન્ય વૈકલ્પિક સ્થળ તમે બતાવો એવું ચીફ ઓફિસરે રજૂઆત કરવા આવેલા લોકોને જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ કહ્યું કે, પંપિંગ સ્ટેશન નહીં બનાવવાનું અમે કહેતા નથી પરંતુ જે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે તે ધાર્મિક સ્થળ છે અને ડ્રેનેજ લાઈન અહીંથી પસાર થાય છે જેથી અહીં આવનારા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ શકે તેમ છે. ઉપરાંત જનઆરોગ્યની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી.
આ સમગ્ર બાબતે કોર્પોરેટર દ્વારા વૈકલ્પિક જગ્યા પણ દર્શાવવામાં આવી છે. નગર પાલિકાના ચીફ ઓફિસરે લોકોની માંગણી ધ્યાનમાં રાખી યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી છે. પરંતુ જો અન્ય સ્થળે આ ડ્રેનેજ પંપિંગ સ્ટેશન નહીં ખસેડાય તો નગર પાલિકાના કોર્પોરેટર રાજીનામું આપશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.