વલસાડ: દેશમાં શેર માટીની ખોટ માટે હજારો દંપતીઓ તરસતા જોવા મળ્યા છે. ત્યારે કેટલીક એવી જનેતા પણ હોય છે જે પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને કચરામાં કે અન્ય અવાવરું જગ્યાએ તરછોડી દેતી હોય છે. આવી જ ઘટના સોમવારે વાપીમાં સામે આવી છે. વાપીમાં ટાઈપ વિસ્તારમાં એક કુમાતાએ પોતાના એક દિવસના તાજા જન્મેલા શિશુને રસ્તા પર તરછોડી દીધું હતું. જોકે, શિશુના રડવાનો અવાજ નજીકથી પસાર થતી એક મહિલાએ સાંભળ્યો અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી 108 મારફતે નવજાત શિશુને જરૂરી સારવાર માટે વલસાડ સિવિલમાં લઈ જવામાં આવ્યું હતું. પોલીસે આ અંગે અજાણી સ્ત્રી વિશે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સમાજના ડરથી જનેતાએ જ પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને રસ્તા પર મરવા માટે છોડી દીધું હતું. પરંતુ બેદરકાર માતાના નવજાત પ્રત્યે રસ્તેથી પસાર થતા રાહદારીઓએ માનવતા મહેકાવી હતી. અને માનવતાના હાશ સમાન ઘટનામાં એક નવજાતનું જીવન બચાવ્યું છે. હાલ 108 દ્વારા તેને સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયુ છે. અને ત્યાં તે માસૂમ તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે.