- કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
- વલસાડ જિલ્લા કલેક્ટરની પત્રકાર પરિષદ
- પેટા ચૂંટણી માટે તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું
કપરાડા/વલસાડ: જિલ્લા કલેક્ટર કચેરીએ યોજાયેલી પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા કલેક્ટરે કપરાડા વિધાનસભા પેટા ચૂંટણી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચૂંટણીલક્ષી કામગીરી માટે વહીવટી તંત્ર સજ્જ છે. કપરાડામાં 374 જેટલા મતદાન મથકો ઉપરથી 548 વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ સરકારી ગાઈડલાઈન અનુસાર મતદાન માટે 2 લાખ 70 હજાર પોલીથીન હેન્ડ ગ્લવ્ઝનો ઉપયોગ કરવામાં આવશે.
80 વર્ષથી વધુ વયના લોકો માટે ઘરેથી મતદાનની સુવિધા
આ વખતની પેટા ચૂંટણીમાં 2 લાખ 45 હજાર 207 જેટલા મતદારો નોંધાયા છે. આ વખતે કોરોનાની મહામારીને કારણે 80 વર્ષથી ઉપરના મતદારો માટે ઘરે જઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાની સગવડતા કરવામાં આવી છે. કપરાડા વિધાનસભાના કુલ મતદાન મથકો પૈકી 83 જેટલા મતદાન મથકો અતિસંવેદનશીલ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આવા તમામ બુથો પર 10 જેટલા વીડિયોગ્રાફર રાખવામાં આવ્યા છે. જ્યારે ૧૪૦ જેટલા મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ વિડીયોગ્રાફી દ્વારા નજર રાખવામાં આવશે. 2 નવેમ્બરના રોજ અરૂણોદય સાર્વજનિક હાઈસ્કૂલ કપરાડા ખાતે ડિસ્પ્લે સેટિંગ તેમજ રિસીવિંગ સેન્ટરની કામગીરી કરવામાં આવશે. જેના માટે 11 ટીમ તૈયાર રાખવામાં આવી છે.
મતદાન મથક ઉપર વેઈટિંગ રૂમની વ્યવસ્થા
દરેક મતદાન મથક ઉપર વેઈટિંગ રૂમની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. મતદાન કરવા આવનારા કોઈ મતદાતામાં જો કોરોનાના લક્ષણો દેખાશે તો તેમને વેઇટિંગ રૂમમાં બેસાડવામાં આવશે. આમ આગામી 3 નવેમ્બરની કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે તંત્ર સજ્જ હોવાનું વલસાડ જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.