- ગુજરાત ધર્માંતરણ અધિનિયમનો ભંગ
- રાષ્ટ્રીય જનજાતિ મંચે આવેદનપત્ર આપ્યું
- નાતાલની ઉજવણીની મંજૂરી નહિ આપવા રજૂઆત
ઉમરગામ : કોરોના મહામારીમાં નવરાત્રી પર્વની ઉજવણી પર જે રીતે પાબંધી લગાવવામાં આવી હતી. તેવી જ રીતે નાતાલ પર્વની ઉજવણી પર પાબંધી લગાવી, નાતાલ પર્વમાં રાષ્ટ્ર વિરોધી ધર્માંતરણ જેવી પ્રવૃત્તિ પર રોક લગાવવા રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા ઉમરગામ મામલતદારને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતુ.
રાષ્ટ્રીય જનજાતિ મંચના સંયોજક મુકેશ રાઠોડ અને અન્ય કાર્યકરો દ્વારા ઉમરગામ મામલતદારને આવેદન પત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી કે, નાતાલ પર્વમાં ગુજરાત જન જાતિ વિસ્તારોમાં ગુજરાત ધર્માંતરણ અધિનિયમનો ખુલ્લે આમ ભંગ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત સરકારના રજીસ્ટરમાં ખ્રિસ્તી ધર્મ અપનાવનારોની વસ્તી નથી
વધુમાં મંચના સભ્યોએ એવી પણ રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સરકારના રજીસ્ટરમાં ખ્રિસ્તી ધર્મ અપનાવનારાઓની વસ્તી ન હોવા છતાં નાતાલના નામે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ થઈ રહી છે. જો ખિસ્તી ધર્મના અનુયાયી ન હોય તો આટલા બધા ચર્ચો ક્યાંથી આવ્યા? જો ખરેખર ખ્રિસ્તી ધર્મનું પાલન કરતા હોય તો તેમના પ્રમાણપત્રો, ખ્રિસ્તી ધર્મનો ઉલ્લેખ કેમ કરવામાં આવતો નથી.
નવરાત્રીની મંજૂરી નહોતો તો નાતાલની કેમ
મંચના સભ્યોએ હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીમાં દર રવિવારે પાસ્ટરો દ્વારા લોકોને ભેગા કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેરનામાંનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હોવાના આક્ષેપ કરી માંગ કરી હતી કે, હિંદુ ધર્મનો શક્તિ ઉપાસનાનો પર્વ નવરાત્રી ન ઉજવી શકતા હોય તો વિદેશી ખ્રિસ્તી ધર્મના નાતાલ પર્વને પરવાનગી કેવી રીતે આપી શકાય?
ખ્રિસ્તી પ્રમાણપત્ર અને દાખલો માંગવામાં આવે
ખિસ્તી ધર્મના નામે થતાં નાતાલના કાર્યક્રમોની પરવાનગી આપવામાં ન આવે. અને જો પરવાનગી આપવામાં આવે તો તેમની પાસેથી ખ્રિસ્તી હોવાનું પ્રમાણપત્ર માંગવામાં આવે. સાથે ચર્ચમાં જનાર દરેક વ્યક્તિ પાસે ખ્રિસ્તી હોવાનો દાખલો માંગવામાં આવે.
રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિને વેગ મળે છે
જો આ અંગે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિને વેગ મળશે તેવી રજૂઆત પણ રાષ્ટ્રીય જન જાતિ મંચ ઉમરગામ દ્વારા કરવામાં આવી હતી.