વલસાડ: સેગવી ગામે આવેલા સુથારવાડ વિસ્તારમાં રહેતા હંસાબેન હીરાલાલ મિસ્ત્રી અને તેમની પુત્રી મીનાક્ષી મિસ્ત્રી પર તેમના ઘરમાં બાજુમાં રહેતા ઈસમ દ્વારા લાકડા જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઇસમે મીનાક્ષી પર પાછળથી લાકડાના હથિયાર વડે હુમલો કર્યો હતો. તે બાદ મીનાક્ષીબેનને બંધક બનાવીને આરોપી યુવકે માતા હંસાબેન મિસ્ત્રી પર લાકડાના પાટલા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ બંને મહિલાના દાગીનાની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો.
આ ઘટનાના થોડા સમય બાદ બંધક બનાવેલ મીનાક્ષીબેન મિસ્ત્રી ભાનમાં આવતા તેમણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જે ઘટનાને પગલે બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતા હંસાબેન મિસ્ત્રીને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. જે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે મીનાક્ષીબેન સ્વસ્થ થતા તેમણે પોલીસને જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતા યુવક દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ દાગીનાની લૂંટ ચલાવી તે ફરાર થઇ ગયો હતો. જેને લઈને વલસાડ પોલીસે આરોપી ઈસમને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.