શ્રાવણ માસના પ્રારંભને એક દિવસ આગળ આવતી અમાસને આદિવાસી સમાજના લોકો દિવાસા તરીકે કે ગટર અમાસ તરીકે ઓળખે છે અને આ દિવસે દરેક ઘરે એક ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળે છે. બજારમાં પણ ખૂબ ચેહલ પહેલ જોવા મળે છે. એમાં પણ સૌથી વધુ આકર્ષણ ધરાવતું હોય તો માત્રને માત્ર વલસાડ જિલ્લાના ધરમપુર બજારમાં રમવામાં આવતી "ટપ્પા દાવ"ની રમત છે. આદિવાસી સમાજના લોકો બજારમાંથી નારિયળ ખરીદીને આ રમતનો આનંદ લેતા હોય છે.
એક વ્યક્તિ શ્રીફળ હાથમાં પકડે છે અને સામેનો વ્યક્તિ પોતના શ્રીફળ વડે સામે હાથમાં પકડીને ઉભેલા વ્યક્તિના શ્રીફળમાં ઘા કરે છે. જેનું નારિયળ ફૂટી જાય છે. એ ઘા કરનાર વ્યક્તિને આપી દે છે અને જો ના તૂટે તો બીજો વ્યક્તિ નારિયળ તોડવા પ્રયાસ કરે છે. આમ સામ સામે આ નારીયળની રમત રમાય છે અને કેટલાક લોકોને આ રમતની મોજમાં હાથમાં ઈજાઓ પણ પહોંચે છે. પણ રમતની મઝા તો લોકો લેતા જોવા મળે છે.
આ અંગે સ્થાનિક મોહન ભાઈએ જાણકારી આપતા જણાવ્યું કે, વર્ષોથી ચાલી આવતી આ રમત આદિવાસી સમાજમાં ચોમાસા દરમિયાન ડાંગરની રોપની પૂર્ણ થયા બાદ જે આનંદ ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે, તે માટે દિવાસા પર્વ ઉજવાય છે. અદિવાસી સમાજના લોકો આ દિવસને ઉત્સવ તરીકે ઉજવે છે. ધરમપુરમાં રમવામાં આવતી ટપ્પા દાવની રમત નિહાળવા અને રમવા નવસારીના વાંસદા કે દમણ સુધીના લોકો અહીં આવે છે.
દમણથી છેલ્લા 7 વર્ષથી સતત ટપ્પા દાવની રમત માટે આવતા શાંતિલાલ પટેલ એ જણાવ્યું કે, તેમના બાપદાદાના સમયથી ટપ્પા દાવની રમત પ્રચલિત છે અને તેઓ દર વર્ષે દિવાસા પર્વે ધરમપુર આવે છે. આ વર્ષે પણ તેઓ ટપ્પા દાવ રમવા માટે આવ્યા છે. આ રમતમાં નારિયળ તોડવા એક વિશેષ પ્રકારની ટેક્નિક જરૂરી છે. તોજ શ્રીફળ સામેના વ્યક્તિનું તૂટી જતું હોય છે.દિવાસાના દિવસે એક જ દિવસમાં 10 હજાર કરતા વધુ શ્રીફળનું વેચાણ થઈ જતું હોય છે .
અંગે માહિતી આપતા શ્રીફળ વેચનાર વેપારી વિપુલ ટેલર એ જણાવ્યું કે, 20 રૂપિયા પ્રતિ શ્રીફળ વેચાણ થયું છે અને દર વર્ષે તેઓ ચારથી પાંચ બોરી શ્રીફળ સહેલાઇથી વેચી દેતા હોય છે. આ વર્ષે પણ શ્રીફળ લેવા લોકોની પડાપડી જોવા મળી હતી. આમ આજે પણ આદિવાસી સમાજના લોકોએ તેમની વર્ષો જૂની દિવસા પર્વની પરંપરાને જીવંત રાખતા ઉત્સાહ પૂર્વક ટપ્પા દાવની રમતમાં જોડાયા હતા.