વલસાડઃ પારડી તાલુકાના અંબાચ ગામે આમલી ફળિયામાં શ્રી સાંઈ યુવક મંડળ દ્વારા અનેક સામાજીક કાર્યો કરવામાં આવે છે. આ સાથે છેલ્લા કેટલાક વર્ષોથી તેમના દ્વારા શીરડી ખાતે પદયાત્રા કરીને બાબાના દર્શન કરવા જાય છે. સ્થાનિક યુવકોએ છેલ્લા સાતથી આઠ વર્ષથી અહીં બાબાનું મંદિર બને એ માટે તૈયારીઓ કરી રહ્યા હતા.
લોકોના દાન અને આર્થિક સહયોગ બાદ હાલ આ સાંઈ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. આ મંદિરમાં ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ સોમવારે કરવામાં આવ્યો હતો.
મંગળવારે દ્વિતીય દિવસે અંબાજી આમલી ફળિયાથી સાંઈબાબાની પ્રતિમા સાથે એક નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બાઈક, કાર અને ડીજેના તાલ સાથે નીકળેલી આ નગરયાત્રા આમલી ફળિયા, પટેલ ફળિયા, વાઘસર ફળીયા થઈને અંબાચ ચાર રસ્તા સુધી પહોંચી હતી. જે બાદ આ નગરયાત્રા પરત આમલી ફળિયા સહાય મંદિરેથી નીકળેલી આ યાત્રામાં આસપાસના ગામોના ભાવિક ભકતો મોટી સંખ્યામાં ડીજેના તાલ પર ઝૂમ્યા હતા.
ત્રણ દિવસ ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બપોરના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક ભાવિક ભકતો જોડાયા હતા
ઉલ્લેખનીય છે કે, યુવક મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલા મુજબ શિરડીમાં સાંઈબાબાની જે રીતની પ્રતિમા છે, એ જ રીતની પ્રતિમા અંબાચના આમલી ફળિયામાં પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. આ કારણે સાંઈ ભકતોમાં આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે.