વાપી :- રાજ્યમાં થેલેસેમિયા અને કુપોષણની ખામીના નિવારણ માટે ભારત સરકાર દ્વારા પ્રાયોગિક ધોરણે NFSA લાભાર્થીઓને મે - 2022 થી ફોર્ટીફાઈડ ચોખાના વિતરણ માટેની યોજનાનો ગુજરાત રાજ્યના 14 જિલ્લાઓમાં પ્રારંભ કરવામા આવ્યો છે. ફોર્ટીફાઈડ ચોખાના લાભોથી માહીતગાર કરવા વાપીમાં જાગૃતિ વર્કશોપનું મંત્રી નરેશ પટેલ, કનુભાઈ દેસાઈ, જીતુ ચૌધરી ની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.
![ફોર્ટીફાઈડ ચોખાના સેમિનારનું અયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-fortified-rice-avbb-gj10020_09092022160010_0909f_1662719410_289.jpg)
રેશનકાર્ડ ધારકોને ફોર્ટીફાઈડ ચોખા: ગુજરાતમાં અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ભારત સરકારના વિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકોને ફોર્ટીફાઈડ ચોખા આપવામાં આવી રહ્યા છે. જેમાં આ ચોખા પ્લાસ્ટિકના હોવાની બૂમરાણ ઉઠી છે. જે અંગે લોકોમાં જાગૃતિ આવે, આ ફોર્ટીફાઈડ ચોખા શું છે? તેનાથી થેલેસેમિયા અને સિકલસેલ એનિમિયાના દર્દીઓને કેવો લાભ થઈ શકે છે? તે અંગે વાપીમાં આવેલ મેરિલ એકેડમી ખાતે અન્ન, નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા પ્રધાન નરેશ પટેલ, નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરી ની ઉપસ્થિતિમાં જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
![ફોર્ટીફાઈડ ચોખાના સેમિનારનું અયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-fortified-rice-avbb-gj10020_09092022160010_0909f_1662719410_765.jpg)
ફોર્ટીફાઈડ ચોખા અંગે સમાજમાં પ્રવર્તતી ગેરસમજ: કાર્યક્રમમાં અન્ન, નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા પ્રધાન નરેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ જિલ્લામાં રેશનની દુકાન ધરાવતા 438 જેટલા દુકાનદારો ICDS અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા છે. જેઓને ફોર્ટીફાઈડ ચોખા અંગે સમાજમાં પ્રવર્તતી ગેરસમજને દૂર કરવા નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
![ફોર્ટીફાઈડ ચોખાના સેમિનારનું અયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-fortified-rice-avbb-gj10020_09092022160010_0909f_1662719410_702.jpg)
100 ચોખાના દાણામાં એક ચોખ્ખો ફોર્ટીફાઈડનો: ફોર્ટીફાઈડ ચોખા એ પોષણયુક્ત ચોખા છે. તેમની પાછળ સરકારે ખૂબ જ મહેનત કરી છે. 100 ચોખાના દાણામાં એક ચોખ્ખો ફોર્ટીફાઈડનો એ ધોરણે આ ફોર્ટીફાઈડ ચોખા સામાન્ય ચોખામાં ઉમેરવામાં આવે છે. પ્રોટીનથી ભરપૂર આ ચોખાથી થેલેસેમિયા સિકલ સેલ એનિમિયા ધરાવતા દર્દીઓને ખૂબ જ ફાયદો થાય છે. બાળકો તેમજ મહિલાઓ કુપોષણનો ભોગ બનતા અટકે છે.
આયર્ન, B9, B11 જેવા ઘટકો ઉમેરી બનાવાય છે: ફોર્ટીફાઈડ ચોખાના આવિષ્કાર અંગે તેમણે જણાવ્યું હતું કે ફોર્ટીફાઈડ ચોખા મૂળ ચોખાનો પાવડર કરી તેમાં આયર્ન, B9, B11, ફોલિક એસિડ જેવા ઘટકો ઉમેરી ફરી તેને ફરી ચોખાના રૂપમાં લાવવામાં આવે છે. જેની પાછળ ખૂબ જ ખર્ચ થતો આવ્યો છે. કુપોષણને હરાવવામાં પણ સરકાર ફાયદો મેળવી રહી છે.
કુપોષણને હરાવવામાં સરકાર ફાયદો: રાજ્ય સરકાર નાગરિકોને અન્ન પૂરુ પાડવાની બાબતમાં ખૂબ જ સજાગ છે. આવનારા દિવસોમાં 71 લાખ ગરીબ રેશનકાર્ડ ધારકોને મળતા અનાજમાં ચણાનો પણ ઉમેરો કરવામાં આવી રહ્યો છે. સરકાર આ ચણા રાશન કાર્ડના લાભાર્થીઓને 30 રૂપિયા કિલોના હિસાબે આપશે. તો ફોર્ટીફાઈડ ચોખા અંગે ફૂડ રિસર્ચ લેબોરેટરી ગાંધીનગર ના ટેકનીકલ ઓફિસર જે. પી. દરબારે જણાવ્યું હતું કે, સાદા ચોખામાં વિટામીન વાળા ચોખા ઉમેરવામાં આવે છે. જેને FRK એટલે કે 'ફોર્ટીફાઈડ રાઈસ કર્નલ' કહેવામાં આવે છે. આ પ્રકારના ચોખા થેલેસેમિયા, સિકલસેલ એનિમિયા ના દર્દીઓ માટે જરૂરી પ્રોટીન પૂરું પાડે છે. પ્રોટીનયુક્ત આ ચોખાથી કુપોષણને હરાવવામાં પણ સરકાર ફાયદો મેળવી રહી છે.
ફોર્ટીફાઈડ ઘટકતત્વોથી અનેક લાભ: ઉલ્લેખનીય છે કે ફોર્ટીફાઈડ ઘટકતત્વો ની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયા ના દર્દી પર થતી અસર અંગે આયોજિત જાગૃતિ વર્કશોપમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, પાણી પુરવઠા પ્રધાન જીતુભાઈ ચૌધરીએ પણ પોતાનું વક્તવ્ય આપી ફોર્ટીફાઈડ ચોખા અંગે પ્રવર્તતી ગેરમાન્યતાઓ સામે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેકટર, DDO, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ રેશનીંગની દુકાન ધરાવતા દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા. જેઓને નિષ્ણાંતો દ્વારા વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન સાથે ફોર્ટિફાઇડ ચોખા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.